ગુજરાતમાં GCCને પ્રોત્સાહન આપવા નવી ગાઈડલાઈન જાહેર, ઇન્સેન્ટિવની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન

ગુજરાતમાં GCCને પ્રોત્સાહન આપવા નવી ગાઈડલાઈન જાહેર, ઇન્સેન્ટિવની સમગ્ર પ્રક્રિયા હવે ઓનલાઈન

ગુજરાતમાં ગ્લોબલ કેપેબિલિટી હબ એટલે કે GCC સેન્ટર્સના વિકાસને વેગ આપવા રાજ્ય સરકારે GCC Policy 2025-30 હેઠળ Operational Guideline 1.0 જાહેર કરી છે. નવી ગાઈડલાઈન હેઠળ નવા GCC શરૂ કરવા ઉપરાંત રાજ્યમાં કાર્યરત GCCના વિસ્તરણ માટે પણ પાત્રતા, રોકાણ, રોજગારી અને સરકારી ઇન્સેન્ટિવ મેળવવાની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

સરકાર દ્વારા GCC માટેની ઇન્સેન્ટિવ પ્રક્રિયાને ડિજિટલ બનાવવામાં આવી છે. Directorate of ICT & e-Governance દ્વારા વિકસાવવામાં આવેલા Integrated Incentive Management Portal મારફતે ઇન્સેન્ટિવ માટે અરજી, ક્લેમની પ્રક્રિયા, ચકાસણી અને પેમેન્ટ સહિતની કામગીરી કરી શકાશે. આ ઉપરાંત સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ માટેની અરજી અને GCC Policy સંબંધિત માહિતી પણ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.

ત્રણ માપદંડમાંથી જે તારીખ છેલ્લી હશે તે ગણાશે

ઇન્સેન્ટિવની ગણતરી માટે Month of Eligibility નક્કી કરવામાં આવ્યો છે. આ માટે GCCની Commercial Operations શરૂ થયાની તારીખ, In-principle Approvalની તારીખ અને Eligible Employee Count પૂર્ણ થયાની તારીખ—આ ત્રણમાંથી જે તારીખ સૌથી પાછળની હશે, તેને પાત્રતાની શરૂઆતનો મહિનો માનવામાં આવશે.

GCCની પાત્રતા સાબિત કરવા કંપનીએ વિવિધ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. તેમાં Certificate of Incorporation, GST Registration, Board Resolution, Service Level Agreement, Ownership Structure, Detailed Project Report અને જરૂરી હોય ત્યાં CA દ્વારા પ્રમાણિત રોકાણની વિગતોનો સમાવેશ થાય છે.

નવા અને વિસ્તરણ કરતા GCC માટે અલગ દસ્તાવેજી પ્રક્રિયા

નવા GCC માટે ગુજરાતમાં ઓફિસ અથવા મિલકત સાથે જોડાયેલા ભાડા કે ખરીદીના દસ્તાવેજો, કર્મચારીઓની વિગતો, DPR અને First Service Invoice સહિતના દસ્તાવેજો જરૂરી રહેશે. જ્યારે હાલના GCC દ્વારા નવી પ્રવૃત્તિઓ શરૂ કરીને રોકાણ અને રોજગારીમાં વધારો કરવામાં આવે તો Expansion Application માટે વધારાના રોકાણ અને કર્મચારીઓની વિગતો સાથે સંબંધિત મંજૂરી અને કરાર રજૂ કરવાના રહેશે.

કયા ખર્ચને CAPEXમાં ગણવામાં આવશે?

પૉલિસી હેઠળ પાત્ર CAPEXમાં બિલ્ડિંગનું બાંધકામ અથવા ખરીદી, કમ્પ્યુટર, સોફ્ટવેર, નેટવર્કિંગ હાર્ડવેર અને અન્ય Fixed Assets જેવા ખર્ચનો સમાવેશ થઈ શકે છે. બીજી તરફ જમીનની ખરીદીનો ખર્ચ પાત્ર ગણાશે નહીં.

ઓફિસ સ્પેસ અથવા જમીનના લીઝ, વેચાણ કે ટ્રાન્સફર સંબંધિત સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી તેમજ કેટલાક અન્ય મંજૂર ખર્ચને પણ નિર્ધારિત શરતો હેઠળ પાત્ર ખર્ચમાં સામેલ કરી શકાય છે. ફર્નિચર, ફિક્સચર, રિનોવેશન, સિવિલ વર્ક, ઈન્ટિરિયર, ઈલેક્ટ્રિકલ ફિક્સચર અને HVAC સહિતના ખર્ચ પણ જરૂરી દસ્તાવેજોના આધારે ધ્યાનમાં લેવામાં આવી શકે છે.

ક્લેમ મોડો કર્યો તો ઇન્સેન્ટિવ પર અસર

ગાઈડલાઈન મુજબ CAPEX ક્લેમ નિર્ધારિત સમયગાળા બાદ નક્કી કરેલી સમયમર્યાદામાં રજૂ કરવાનો રહેશે. OPEX માટે પણ Quarter આધારિત ક્લેમ સબમિશનની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

ક્લેમ રજૂ કરવામાં વિલંબ થાય તો વિલંબના દિવસોના આધારે ઇન્સેન્ટિવમાં Pro-rata અસર થઈ શકે છે. આ ઉપરાંત Special Incentive અને Quality Certification સંબંધિત વાર્ષિક ક્લેમ માટે પણ નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.

રોકાણ અને કર્મચારીઓની વિગતોની થશે ચકાસણી

ઇન્સેન્ટિવ ક્લેમની પ્રક્રિયા દરમિયાન કંપનીએ Investment Invoices, કર્મચારીઓની વિગતો, CA Certified Claim Summary તેમજ GFCI અને વાર્ષિક Operating Expenditure સંબંધિત CA Certificate જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.

સત્તાધિકારી દ્વારા GCCનું પેરેન્ટ અથવા ગ્રૂપ કંપની સાથેનું જોડાણ અને તે કંપનીને પૂરી પાડવામાં આવતી સેવાઓ સહિતની વિગતોની પણ ચકાસણી કરવામાં આવી શકે છે. જરૂર જણાય તો વધારાના દસ્તાવેજો અથવા સ્પષ્ટતા પણ માગી શકાય છે.

આ નવી Operational Guideline 1.0થી ગુજરાતની GCC Policy 2025-30 હેઠળ અરજીથી લઈને ક્લેમ અને ઇન્સેન્ટિવ પેમેન્ટ સુધીની પ્રક્રિયા વધુ વ્યવસ્થિત અને ડિજિટલ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ નવા GCC સ્થાપિત કરવા સાથે રાજ્યમાં રોકાણ, રોજગારી અને હાલના GCCના વિસ્તરણને પ્રોત્સાહન આપવાનો છે.