ગાંધીનગર: ગુજરાતમાં રવિવારે (26 એપ્રિલ) 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કાળઝાળ ગરમી વચ્ચે પણ રાજ્યમાં નોંધપાત્ર મતદાન જોવા મળ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ તમામ EVM મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે. હવે સૌ કોઈની નજર આવતીકાલે એટલે કે 28 એપ્રિલના રોજ જાહેર થનારા પરિણામો પર ટકેલી છે.
સવારે 8 વાગ્યાથી શરૂ થશે પ્રક્રિયા
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, આવતીકાલે સવારે 8 વાગ્યાથી મતગણતરી કેન્દ્રો પર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ સવારે 9 વાગ્યાથી EVM માં પડેલા મતોની ગણતરી હાથ ધરાશે. બપોરે 12 વાગ્યા સુધીમાં તો મોટાભાગના બેઠકોના વલણો સ્પષ્ટ થઈ જશે અને સાંજ સુધીમાં તમામ વિજેતા ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થઈ જશે.
કોનું પલડું ભારે?
આ વખતે ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ભાજપ પોતાનો ગઢ સાચવી રાખવા મથામણ કરી રહ્યું છે, તો ગ્રામીણ વિસ્તારોમાં કોંગ્રેસ અને 'આપ' દ્વારા આપવામાં આવેલી લડત કેવા પરિણામો લાવે છે તે જોવું રસપ્રદ રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં થયેલું ઊંચું મતદાન સત્તાધારી પક્ષ માટે ચિંતાનો વિષય બને છે કે આશીર્વાદ, તે કાલે સ્પષ્ટ થશે.
ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્યભરમાં મતગણતરી કેન્દ્રો પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પણ પરિણામોની ક્ષણે ક્ષણની વિગતો ઓનલાઈન પોર્ટલ પર મૂકવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.