“મહિલા છે એટલે LPG સિલિન્ડર નહીં ઉઠાવી શકે?” આ સવાલ સાથે સુપ્રીમ કોર્ટે ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના એક જૂના કેસમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. મામલો ગુઢા ગામમાં રહેતી એક મહિલા સાથે જોડાયેલો છે, જેમણે 1988માં ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશનના LPG બોટલિંગ પ્લાન્ટમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
વર્ષ 1988માં ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતાવાળી સ્થાનિક સમિતિએ LPG બોટલિંગ પ્લાન્ટમાં નોકરી માટે 49 લોકોની ભલામણ કરી હતી, જેમાં આ મહિલાનું નામ પણ સામેલ હતું. મહિલાએ ખલાસી, પટાવાળા અથવા રિફિલિંગ હેલ્પર જેવા પદ માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. પરંતુ યાદીમાં નામ હોવા છતાં તેમને નોકરી મળી નહીં, જ્યારે અન્ય ભલામણ કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપી દેવામાં આવ્યા.
મહિલાએ આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો. ટ્રાયલ કોર્ટે માન્યું કે મહિલા નોકરી માટે જરૂરી લાયકાતો પૂર્ણ કરતી હતી. એક સાક્ષીના નિવેદનનો પણ કોર્ટે ઉલ્લેખ કર્યો, જેમાં મહિલાને માત્ર મહિલા હોવાના કારણે નોકરી ન આપવામાં આવી હોવાની વાત સામે આવી હતી.
જોકે, ત્યારબાદ ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશને આ ચુકાદા સામે અપીલ કરી અને 6 ઑગસ્ટ 1993ના રોજ પ્રથમ અપીલ અદાલતે ટ્રાયલ કોર્ટનો ચુકાદો પલટી નાખ્યો. આ પછી મામલો હરિયાણા હાઈકોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો.
સુપ્રીમ કોર્ટમાં ઇન્ડિયન ઑઇલ તરફથી દલીલ કરવામાં આવી કે આ નોકરીમાં ભારે LPG સિલિન્ડર ઉઠાવવાના હોય છે અને રાત્રિની શિફ્ટમાં પણ કામ કરવું પડે છે, તેથી કદાચ તે સમયે અધિકારીઓએ મહિલાને આ કામ માટે યોગ્ય ન માની હોય.
આ દલીલ સાંભળીને કોર્ટે સવાલ કર્યો—“શું મહિલાઓ પોતાના ઘરમાં ગેસ સિલિન્ડર નથી ઉઠાવતી?”
કોર્ટે વધુમાં કહ્યું કે આપણે ભારતમાંથી છીએ અને દરરોજ મહિલાઓના સન્માનની વાત કરીએ છીએ. મહિલાને દેવી સમાન માનવાની વાત કરીએ છીએ, ત્યારે ભારત સરકારના એક ઉપક્રમ તરફથી મહિલા ગૌરવનું અપમાન થાય તેવી સ્થિતિ સ્વીકારી શકાય નહીં.
લગભગ ચાર દાયકા જૂનો નોકરીનો વિવાદ… એક મહિલા… અને સવાલ માત્ર નોકરીનો નહીં, પરંતુ કામના સ્થળે મહિલાઓ સાથે સમાન વ્યવહારનો! હવે આ કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી ફરી ચર્ચામાં આવી છે.