Advertisement

ગાંધીનગરમાં મધુર ડેરીના રૂ. 128 કરોડના આધુનિક પ્લાન્ટનું 17 મેએ લોકાર્પણ

ગાંધીનગરમાં મધુર ડેરીના રૂ. 128 કરોડના આધુનિક પ્લાન્ટનું 17 મેએ લોકાર્પણ


ગાંધીનગર જિલ્લાના દશેલા ગામ ખાતે આવેલ ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ – મધુર ડેરીના નવા આધુનિક ફુલ્લી ઓટોમેટીક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનું આગામી તા. 17 મે 2026ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે.


અંદાજે રૂ. 128 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ અદ્યતન પ્લાન્ટની દૈનિક દૂધ પ્રોસેસિંગ ક્ષમતા 2.5 લાખ લિટર રહેશે, જેને ભવિષ્યમાં વધારીને 5 લાખ લિટર પ્રતિ દિવસ સુધી લઈ જવાની સગવડ પણ ઉપલબ્ધ કરાઈ છે. નવા પ્લાન્ટના પ્રારંભ બાદ મધુર ડેરીની કુલ દૂધ પ્રોસેસિંગ અને પેકેજીંગ ક્ષમતા 5 લાખ લિટર પ્રતિ દિવસ સુધી પહોંચી જશે, જેના કારણે મધુર ડેરી ગાંધીનગર જિલ્લાની સૌથી મોટી સહકારી દૂધ સંઘ તરીકે ઉભરી આવશે.


આ નવા પ્લાન્ટથી જિલ્લાના દૂધ ઉત્પાદકોને તેમના તમામ દૂધનું સરળતાથી પ્રોસેસિંગ મળી શકશે અને તેમને પોષણક્ષમ ભાવ પણ પ્રાપ્ત થશે. સાથે જ ગ્રાહકોને ગુણવત્તાસભર દૂધ અને વિવિધ દૂધજન્ય ઉત્પાદનો ઉપલબ્ધ બનશે. ઉપરાંત, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) માટે નવી દૂધની બનાવટોના ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો થશે.


મધુર ડેરી લાંબા સમયથી સહકારી ક્ષેત્રના વિકાસ અને દૂધ ઉત્પાદક સભ્યોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહી છે. મધુર ડેરીની સ્થાપના તા. 6 ફેબ્રુઆરી 1971ના રોજ માત્ર ચાર દૂધ મંડળીઓ સાથે થઈ હતી. શરૂઆતમાં રોજિંદું દૂધ સંપાદન માત્ર 6,433 લિટર હતું, જ્યારે હાલમાં સરેરાશ 2.76 લાખ લિટર દૂધનું પ્રતિદિન સંપાદન કરવામાં આવી રહ્યું છે. શરૂઆતના સમયમાં ડેરીનું વાર્ષિક ટર્નઓવર માત્ર 7 લાખ રૂપિયા જેટલું હતું, જે આજે વધીને આશરે રૂ. 628 કરોડ સુધી પહોંચી ગયું છે.


છેલ્લાં કેટલાંક વર્ષોમાં મધુર ડેરીએ વ્યાપાર અને સહકારી વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. વિવિધ માળખાકીય પ્રોજેક્ટ્સ અને વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણથી ડેરી સતત વિસ્તરણ કરી રહી છે, જેના પરિણામે જિલ્લાના દૂધ ઉત્પાદકોના જીવનમાં આર્થિક સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે.

Advertisement