એક્ટિવા જોઈ પોલીસ પણ ચોંકી ગઈ: ચોરખાનામાં છુપાવેલી 455 દારૂની બોટલ ઝડપાઈ, 2 ઝડપાયા

એક્ટિવા જોઈ પોલીસ પણ ચોંકી ગઈ: ચોરખાનામાં છુપાવેલી 455 દારૂની બોટલ ઝડપાઈ, 2 ઝડપાયા

વડોદરા: શહેરમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવેલી નવી રીતનો બાપોદ પોલીસે પર્દાફાશ કર્યો છે. બે એક્ટિવા મોપેડમાં ખાસ બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે બંને વાહનોને અટકાવી તપાસ કરતાં કુલ 455 દારૂની બોટલ મળી આવી હતી.

પોલીસે દારૂ સહિત કુલ રૂ.1.41 લાખનો મુદ્દામાલ કબજે કરીને બે શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને મંગાવનાર બે વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પેટ્રોલિંગ દરમિયાન મળી બાતમી

બાપોદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે બે એક્ટિવા મોપેડ મારફતે વિદેશી દારૂનો જથ્થો લઈ બે શખ્સો પસાર થવાના છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન GJ-06-PM-5003 અને GJ-23-DB-7712 નંબરની બે મોપેડને અટકાવી પોલીસે તપાસ હાથ ધરી હતી. વાહનની તપાસ દરમિયાન અલગ-અલગ જગ્યાએ બનાવવામાં આવેલા ચોરખાનાઓમાંથી દારૂની બોટલો મળી આવતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

બંને વાહનોમાંથી કુલ રૂ.91 હજારની કિંમતની 455 દારૂની બોટલ મળી આવી હતી.

છોટાઉદેપુરના બે શખ્સ ઝડપાયા

પોલીસે સ્થળ પરથી અલ્કેશ અરવિંદભાઈ રાઠવા, રહે. ખોરવાણીયા, તા.જી. છોટાઉદેપુર અને સુનિલ પ્રતાપભાઈ રાઠવા, રહે. લગામી, તા.જી. છોટાઉદેપુરની ધરપકડ કરી છે.

આરોપીઓ પાસેથી દારૂની બોટલો ઉપરાંત બે મોપેડ અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1,41,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

દારૂ સપ્લાય કરનાર અને મંગાવનાર વોન્ટેડ

બાપોદ પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો છોટાઉદેપુરના લગામી ગામના રિતેશ રાઠવા પાસેથી મળ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે વડોદરાના ડોડકા ગામની લક્ષ્મીબેન અર્જુનભાઈ માળીએ દારૂ મંગાવ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

પોલીસે બંનેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.

પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી

આ સમગ્ર મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછ તેમજ વોન્ટેડ આરોપીઓની શોધખોળ સાથે પોલીસે દારૂની હેરાફેરીના નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરી છે.