અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
દુબઈથી એર અરેબિયાની ફ્લાઇટમાં આવેલા ઉત્તર પ્રદેશના એક મુસાફરે પોતાના પેટમાં સોનાની કેપ્સૂલ છુપાવી લાવ્યાનું કબૂલ્યું છે. કસ્ટમ્સ વિભાગે આશરે 5 લાખ રૂપિયાથી વધુ કિંમતનું સોનું જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રોફાઇલિંગ દરમિયાન શંકા આધારે અમદાવાદ કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) અધિકારીઓએ ભારતીય પાસપોર્ટ ધરાવતા ફખરુદ્દીન નામના મુસાફરને અટકાવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે શરીરમાં ધાતુ જેવી નિષેધાત્મક વસ્તુ ગળી હોવાની કબૂલાત કરી. 19 ફેબ્રુઆરીએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશ મુજબ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
તબીબી દેખરેખ હેઠળ મળ પસાર કરતી વખતે ડૉક્ટરને પેકેટમાં છુપાવેલી ત્રણ સોનાની કેપ્સૂલ મળી આવી હતી. સરકારી મૂલ્યાંકન મુજબ આ ત્રણ આકાર વિનાના સોનાના બારનું કુલ વજન 37.18 ગ્રામ છે અને તેની શુદ્ધતા 821.0 (19.71 કેરેટ) હોવાનું પ્રમાણિત થયું છે. જપ્ત કરાયેલા સોનાની બજાર કિંમત 5,01,827 રૂપિયા ગણાવવામાં આવી છે.
કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ સોનું જપ્ત કરીને મુસાફર સામે દાણચોરીનો ગુનો નોંધાયો છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. અમદાવાદ એરપોર્ટ પર તાજેતરમાં વધતા ગોલ્ડ સ્મગલિંગના બનાવોને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ વધુ સચેત બની છે.