Advertisement

ધોરણ-૧૦ના પરિણામથી અસંતોષ છે? ગુણ ચકાસણી માટે આ રીતે કરો અરજી, પરીક્ષા વિભાગે જાહેર કરી હેલ્પલાઈન

ધોરણ-૧૦ના પરિણામથી અસંતોષ છે? ગુણ ચકાસણી માટે આ રીતે કરો અરજી, પરીક્ષા વિભાગે જાહેર કરી હેલ્પલાઈન

આણંદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૬ માં યોજાયેલ ધોરણ-૧૦ (SSC) ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી અસંતુષ્ટ હોય અને પોતાના ગુણની ફરીથી ચકાસણી (Rechecking) કરાવવા માંગતા હોય, તેવા ઉમેદવારો માટે બોર્ડ દ્વારા નિયમો અને સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.


જેમા અરજી કરવાની પદ્ધતિમા ગુણ ચકાસણી માટેની અરજી માત્ર ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વેબસાઇટ પર આપેલ 'ગુણ ચકાસણી' બટન પર ક્લિક કરીને પ્રક્રિયા શરૂ કરી શકાશે. રજીસ્ટ્રેશન દરમિયાન વિદ્યાર્થીએ પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) અને અન્ય વિગતો ભરવાની રહેશે. જે વિષયો માટે ગુણ ચકાસણી કરાવવાની હોય, તે વિષયોની સામે આપેલ ટીક માર્ક  કરવાનું રહેશે. 


બોર્ડ દ્વારા વિષયની સંખ્યા મુજબ ગુણ ચકાસણી માટે વિષય દીઠ ફી નિર્ધારિત કરવામાં આવી છે:

જેમા એક વિષય માટે રૂ. ૧૫૫, બે વિષય માટે: રૂ. ૨૨૫, ત્રણ વિષય માટે: રૂ. ૨૮૫ અને જો ત્રણથી વધુ વિષય હોય તો તેના માટે: રૂ. ૪૧૫ ચુકવવાના રહેશે.


  તેની સાથે સરકાર તરફથી ફીમાં ખાસ મુક્તિ અને રાહત આપવામા આવી છે. જેમા સરકારના શૈક્ષણિક પ્રોત્સાહન અને સામાજિક જવાબદારીના ભાગરૂપે ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે તેમાં તમામ વિદ્યાર્થિનીઓ (કન્યા ઉમેદવારો )પાસેથી કોઈપણ પ્રકારની પરીક્ષા ફી લેવામાં આવશે નહીં. તેની સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસે પણ કોઈ પરીક્ષા ફી લેવામાં આવશે નહીં. આ ઉમેદવારોએ ફી ભર્યા વગર માત્ર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.


આ સાથે ફી માત્ર ઓનલાઇન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. વિદ્યાર્થીઓએ SBI E-Pay પેમેન્ટ ગેટવે મારફતે ફીની ચુકવણી કરવાની રહેશે. સમયમર્યાદામાં જરૂરી વિગતો ભરીને ઓનલાઇન અરજી પૂર્ણ કરવા વિદ્યાર્થીઓ તથા વાલીઓને જણાવવામાં આવ્યું છે.


ગુણ ચકાસણી અથવા પરિણામ બાબતે કોઈપણ મુંઝવણ કે પ્રશ્ન હોય તો વિદ્યાર્થીઓ અને વાલીઓ  (079)23253819 પર સંપર્ક કરી શકે છે. આ સિવાય જો પરિણામ કે ગુણ ચકાસણી બાબતે કોઈ લેખિત રજૂઆત કરવી હોય, તો વિદ્યાર્થીઓ સત્તાવાર ઈ-મેલ આઈડી ssc10exam@gmail.com પર મેઈલ કરી શકે છે, તેમ જણાવવામાં આવ્યું છે.

Advertisement