Advertisement

દારૂબંધી વચ્ચે મોટી હેરાફેરી પકડાઈ: 555 બોક્સ દારૂ સાથે બોટ જપ્ત

દારૂબંધી વચ્ચે મોટી હેરાફેરી પકડાઈ: 555 બોક્સ દારૂ સાથે બોટ જપ્ત

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દ્વારા હેરાફેરીના નવા રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે, પરંતુ કસ્ટમ્સ વિભાગની સતર્ક કામગીરીએ એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ કસ્ટમ્સ હેઠળના વલસાડ કસ્ટમ્સ ડિવિઝન દ્વારા દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ બોટને રોકી તપાસ કરતા તેમાંમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 555 બોક્સ મળી આવ્યા હતા, જેમાં કુલ 18,672 બોટલોનો જથ્થો હતો. આ મુદ્દામાલની અંદાજિત કિંમત લગભગ ₹50 લાખ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો દમણથી ગુજરાતમાં સ્મગલિંગ માટે લાવવામાં આવી રહ્યો હતો.


આ ઓપરેશન 16 એપ્રિલ 2026ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે કસ્ટમ્સની ટીમે દરિયામાં પેટ્રોલિંગ દરમિયાન દમણ તરફથી વલસાડ તરફ આવતી શંકાસ્પદ બોટને કોલક દરિયાકાંઠે આંતરી હતી. બોટની તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હતો, જેને પગલે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર કાર્યવાહી બાદ કસ્ટમ્સ વિભાગે પંચનામું અને ઇન્વેન્ટરી પૂર્ણ કરી દારૂનો જથ્થો, બોટ અને તેમાં સવાર 8 બુટલેગરોને પારડી પોલીસ સ્ટેશનને હવાલે કર્યા હતા.


હાલમાં વલસાડ જિલ્લાના પારડી પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ જથ્થો કોના ઓર્ડર પર લાવવામાં આવ્યો હતો, તેમજ દરિયાકાંઠેથી આગળ કઈ રીતે વિતરણ થવાનું હતું તે અંગે તપાસ ચાલુ છે.

Advertisement