ડાકોર: પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકાની સામાન્ય સભામાં આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૬-૨૭ માટે નગરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રૂ. ૩.૯૨ કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. શનિવારે બપોરે ૪:૦૦ વાગ્યે યોજાયેલી આ સામાન્ય સભામાં પાલિકાના સભ્યો દ્વારા વિવિધ વિકાસલક્ષી કામો પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.
આવક-ખર્ચનું સરવૈયું
બજેટની વિગતો મુજબ, વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઉઘડતી સિલક ૮૭.૭૫ લાખ અને અંદાજિત ૨૩.૬૭ કરોડની આવક સાથે કુલ ૨૪.૫૫ કરોડની આવક દર્શાવવામાં આવી છે. જેની સામે અંદાજિત ૨૦.૬૩ કરોડનો ખર્ચ અને ૧૨.૮૩ કરોડની બંધ સિલકનું આયોજન કરાયું છે. પાલિકાના વાર્ષિક ખર્ચમાં ૨.૬૩ કરોડનો માતબર હિસ્સો કર્મચારીઓના પગાર પાછળ ખર્ચવામાં આવશે, તેમ છતાં બજેટમાં ૩.૯૨ કરોડની માતબર પુરાંત દર્શાવવામાં આવી છે.
વિકાસના કામો પર ભાર
સામાન્ય સભામાં જિલ્લા આયોજન મંડળ દ્વારા ફાળવવામાં આવેલી ૫૦ લાખની ગ્રાન્ટના સદુપયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ગ્રાન્ટમાંથી ડાકોરના નાગરિકો અને યાત્રાળુઓની સુવિધા માટે નવી એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત, પવિત્ર ગોમતી નદીના ખડીયાદ વિસ્તારમાં પ્રોટેક્શન વોલ (રક્ષણાત્મક દીવાલ) બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે, જેનાથી નદી કાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વધશે.
સામાન્ય સભાના અંતે સર્વે સભ્યોએ ડાકોરના વિકાસ માટે એકસૂરે બજેટને બહાલી આપી હતી. આ બજેટથી આગામી વર્ષમાં ડાકોર નગરમાં સુવિધા અને વિકાસના કામોને વધુ વેગ મળશે તેવી આશા સેવાઈ રહી છે.