Advertisement

ચૂંટણી પહેલા કોલકાતામાં રાજકીય તોફાન: TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ

ચૂંટણી પહેલા કોલકાતામાં રાજકીય તોફાન: TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ

પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. મંગળવાર, 31 માર્ચે કોલકાતા સ્થિત ચૂંટણી પંચની ઓફિસ બહાર તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર બોલાચાલી બાદ હિંસક અથડામણ સર્જાઈ હતી. બંને પક્ષના કાર્યકર્તાઓ સામસામે આવી જતા સ્થિતિ તંગ બની ગઈ હતી અને થોડા જ સમયમાં ધક્કામુક્કી તથા મારામારી શરૂ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા હતા, જ્યારે વરિષ્ઠ અધિકારીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખવા પહોંચ્યા હતા.


આ સમગ્ર વિવાદ મતદાર યાદી સંબંધિત ફોર્મ-6ને લઈને ઊભો થયો હોવાનું સામે આવ્યું છે. આ ફોર્મનો ઉપયોગ મતદાર યાદીમાં નવું નામ દાખલ કરવા માટે થાય છે. ટીએમસી સમર્થકોએ આક્ષેપ કર્યો હતો કે એક વ્યક્તિ મોટી સંખ્યામાં ફોર્મ-6 લઈને ચૂંટણી પંચની ઓફિસમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટીએમસીના કાર્યકર્તાઓએ આ પ્રક્રિયા નિયમો વિરુદ્ધ હોવાની શંકા વ્યક્ત કરીને તેને રોક્યો હતો અને તેની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ધરણા પર બેસી ગયા હતા. સ્થિતિ વધુ તંગ બનતાં પોલીસે સંબંધિત વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો હતો.


ઘટનાની ખબર મળતાં ભાજપના સમર્થકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ બંને પક્ષના કાર્યકર્તાઓ પોલીસ બેરિકેડની સામસામે આવી ગયા અને એકબીજા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. ભાજપ કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે ટીએમસી કાર્યકર્તાઓ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા અને તેમના સાથે ગેરવર્તણૂક કરી હતી. બીજી તરફ ટીએમસીએ દાવો કર્યો કે ભાજપ સમર્થકોએ તેમના કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી હતી. આ આરોપ-પ્રત્યારોપ વચ્ચે માહોલ વધુ ગરમાયો અને બંને તરફથી ધક્કામુક્કી તેમજ મારામારી શરૂ થઈ ગઈ.


આ મામલે ટીએમસીના નેતા અભિષેક બેનર્જીએ પણ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બહારના રાજ્યના લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે ફોર્મ-6નો દુરુપયોગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સાથે જ તેમણે સમગ્ર ઘટનાની તપાસ કરવા અને સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની માંગ પણ ચૂંટણી પંચ સમક્ષ મૂકી હતી.


ઘટના બાદ ચૂંટણી પંચની ઓફિસ બહાર સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવી છે અને પોલીસ કાફલો તહેનાત રાખવામાં આવ્યો છે. અધિકારીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ માં કુલ 294 વિધાનસભા બેઠકો માટે 23 અને 29 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાવાનું છે, જ્યારે 4 મે, 2026ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

Advertisement