Advertisement

ચૂંટણી બહિષ્કારનો અનોખો કિસ્સો: ફાગવેલની ચિખલોડ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહિત તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા પરત

ચૂંટણી બહિષ્કારનો અનોખો કિસ્સો: ફાગવેલની ચિખલોડ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહિત તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા પરત

 ખેડા: ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ખેડા જિલ્લામાં એક અત્યંત રસપ્રદ અને આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખેડા જિલ્લાની નવનિર્મિત ફાગવેલ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી ચિખલોડ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારોએ એકસાથે પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય આલમમાં સન્નાટો છવાઈ ગયો છે. ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ અને બે અપક્ષ ઉમેદવારોએ સામૂહિક રીતે મેદાન છોડી દેતા હવે આ બેઠક પર એક પણ ઉમેદવાર રહ્યો નથી.


આ અભૂતપૂર્વ નિર્ણય પાછળ સીમાંકન સામેનો જનરોષ જવાબદાર હોવાનું સામે આવ્યું છે. નવા સીમાંકન બાદ ચિખલોડ ગામનો સમાવેશ કપડવંજ તાલુકામાંથી ખસેડીને ફાગવેલ તાલુકામાં કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. ગ્રામજનોના આ વિરોધને પગલે ભાજપના ઉમેદવાર ભાવનાબેન પરમાર, કોંગ્રેસના સોનલબેન પરમાર તેમજ અપક્ષ ઉમેદવાર ઈલાબેન શર્મા અને ધ્રુમાબેન શર્માએ પ્રજાની લાગણીને માન આપીને પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે.


ચિખલોડ બેઠક પર હવે કોઈ ઉમેદવાર ન હોવાથી અહીં આગામી 26 એપ્રિલે મતદાન પ્રક્રિયા ખોરવાય તેવી શક્યતા છે. લોકશાહીના પર્વમાં ગામની એકતા અને સીમાંકન વિવાદે જે રીતે ચૂંટણી પ્રક્રિયા પર અસર પાડી છે, તે જોતા હવે આગામી સમયમાં ચૂંટણી પંચ આ બેઠક અંગે શું રણનીતિ અપનાવે છે અને અહીં ફરી ક્યારે ચૂંટણી યોજાશે તે જોવું મહત્વનું બની રહેશે.

Advertisement