આણંદ: ચરોતર પંથકમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની સંભાવના છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 10 દિવસ દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કોઈ નવી હવામાન પ્રણાલી પસાર થવાની શક્યતા નથી. પરિણામે આકાશમાંથી વાદળો હટી જતાં સૂર્યપ્રકાશ સીધો જમીન પર પડતા તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં તાપમાનમાં સામાન્ય કરતાં 3થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. સાથે જ લઘુતમ તાપમાન આશરે 27 ડિગ્રી રહેવાની આગાહી છે.
ગરમી સાથે ભેજ વધતાં બફારો પણ વધશે
ચરોતરમાં માત્ર તાપમાન જ નહીં, પરંતુ ભેજનું પ્રમાણ પણ અસરકારક રહેશે. આગામી દિવસોમાં ભેજનું પ્રમાણ આશરે 50 ટકા રહેવાની શક્યતા હોવાથી દિવસ દરમિયાન ગરમી સાથે બફારાનો અનુભવ થઈ શકે છે.
હવામાનમાં દિવસ અને રાત દરમિયાન તફાવત જોવા મળતાં લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. પવનની સરેરાશ ગતિ આશરે 8 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
વાયરલ બીમારીઓના કેસ વધવાની શક્યતા
ગરમી અને ભેજના સંયોજનને કારણે આગામી દિવસોમાં વાયરલ બીમારીઓના કેસમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં આણંદ જિલ્લામાં વાયરલના સરેરાશ 300થી વધુ કેસ નોંધાતા હોવાનું જણાવાયું છે.
દિવસ દરમિયાન ગરમી અને રાત્રે પ્રમાણમાં ઠંડક રહેતા વાતાવરણમાં ફેરફાર થવાથી શરદી, ઉધરસ, તાવ અને વિવિધ ઇન્ફેક્શનના કેસ વધી શકે છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં વાયરલ કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે.
ગરમી અને વાયરલથી બચવા સાવચેતી જરૂરી
આરોગ્ય નિષ્ણાતોએ લોકોને ગરમી અને વાયરલ બીમારીઓથી બચવા માટે પૂરતી સાવચેતી રાખવાની સલાહ આપી છે. ખાસ કરીને બહારનું અથવા ખુલ્લું પાણી પીવાનું ટાળવું અને પાણી ઉકાળીને ઠંડું કર્યા બાદ પીવું હિતાવહ છે.
આ ઉપરાંત વાસી, ખુલ્લો અથવા લાંબા સમયથી બહાર રાખેલો ખોરાક ટાળવા અને તાજો, હળવો તથા પૌષ્ટિક ખોરાક લેવા સલાહ આપવામાં આવી છે.
આગામી 10 દિવસ દરમિયાન વધતી ગરમી અને ભેજને ધ્યાનમાં રાખીને ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકોને વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે.