નવી દિલ્હી: દેશભરમાં ચોમાસું-2026ની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. આ વર્ષે સમગ્ર દેશમાં સામાન્ય કરતાં 12.6% ઓછો વરસાદ નોંધાયો છે. છેલ્લા 11 વર્ષમાં આ સૌથી ઓછા વરસાદવાળું ચોમાસું રહ્યું છે. જોકે, ચોમાસાની વિદાય પહેલાં સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં થયેલા ભારે વરસાદને કારણે વરસાદની અછતમાં લગભગ 2.5%નો ઘટાડો નોંધાયો છે.
આ વર્ષે દેશના લગભગ 43% જિલ્લાઓમાં સામાન્ય કરતાં 20%થી 72% સુધી ઓછો વરસાદ નોંધાયો. સૌથી વધુ વરસાદની અછત પંજાબમાં રહી, જ્યાં સામાન્ય કરતાં આશરે 41% ઓછો વરસાદ પડ્યો. રાજસ્થાનમાં પણ લગભગ 22% વરસાદની ઘટ નોંધાઈ છે. આ ઉપરાંત દેશના અન્ય 9 રાજ્યોમાં પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં ભારે વરસાદ
ચોમાસાની સિઝન પૂર્ણ થવાના થોડા દિવસો પહેલાં વરસાદે જોર પકડ્યું હતું. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં દેશભરમાં સામાન્ય કરતાં લગભગ 50% વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે એક અઠવાડિયા પહેલાં 15% રહેલી વરસાદની અછત સિઝનના અંતે ઘટીને 12.6% રહી હતી.
ચોમાસાના કુલ 122 દિવસોમાંથી લગભગ 77 દિવસ કોઈને કોઈ હવામાની સિસ્ટમ સક્રિય રહી હતી. આ સિસ્ટમોના કારણે અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહ્યો હતો.
પૂર્વોત્તરમાં 1901 પછીનો સૌથી ઓછો વરસાદ
દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની સ્થિતિ ગંભીર રહી છે. પૂર્વોત્તરનાં રાજ્યોમાં આ વર્ષે 1901 પછીનો સૌથી ઓછો ચોમાસાનો વરસાદ નોંધાયો છે. મેઘાલયમાં પણ સામાન્ય કરતાં લગભગ 60% ઓછો વરસાદ નોંધાયો છે.
બીજી તરફ, ઓડિશામાં સામાન્ય કરતાં આશરે 30% વધુ વરસાદ નોંધાયો છે.
282 જિલ્લાઓમાં વરસાદની અછત
આ વર્ષે દેશના આશરે 38% વિસ્તારમાં આવેલા 282 જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત 20%થી પણ વધુ રહી છે.
દેશના 150 મુખ્ય જળાશયોમાં 24 સપ્ટેમ્બર સુધીમાં લગભગ 130 અબજ ઘન મીટર (BCM) પાણી ઉપલબ્ધ હતું. આ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 182.4 BCM છે. એટલે કે જળાશયો આશરે 71% ભરાયેલા છે. જોકે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જળાશયોમાં પાણીનો જથ્થો ઓછો છે.
10 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાય
હવામાન વિભાગ અનુસાર, ચોમાસાની વિદાય 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ હતી. આગામી દિવસોમાં રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના બાકીના વિસ્તારો ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત અને મધ્ય પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસું પાછું ખેંચાશે.
બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધશે.
જોકે, દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 10 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સમગ્ર દેશમાંથી વિદાય લઈ શકે છે.
અલ નીનો સામે IODથી થોડી રાહતની શક્યતા
ચોમાસા દરમિયાન અલ નીનોની અસરને લઈને શરૂઆતથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ઇન્ડિયન ઓશન ડાઇપોલ એટલે કે IOD પોઝિટિવ ઝોનમાં પહોંચતાં અલ નીનોની પ્રતિકૂળ અસરની અમુક હદ સુધી ભરપાઈ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
ICICI બેંકના અહેવાલ મુજબ IOD ઇન્ડેક્સ 0.76 સુધી પહોંચ્યો છે. જોકે, આગામી સમયગાળામાં મજબૂત બની રહેલો અલ નીનો હજુ પણ ભારતીય ચોમાસા માટે એક મહત્વપૂર્ણ જોખમ તરીકે જોવામાં આવી રહ્યો છે.