મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાના વડસર રોડ ઓવર બ્રિજ પર એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો જોવા મળ્યો છે. અહીં અત્યંત વ્યસ્ત શહેરી કોરિડોરમાં ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ (FSLM) નો ઉપયોગ કરીને 40 મીટર લાંબા ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આટલી જટિલ કામગીરી પ્રોજેક્ટ ટીમ દ્વારા માત્ર 2 કલાક અને 13 મિનિટના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવી છે, જે ભારતની ટેક્નિકલ ક્ષમતા અને સચોટ આયોજનનો પુરાવો આપે છે.
આ લોન્ચિંગ જે સ્થળે કરવામાં આવ્યું તે વિસ્તાર ટ્રાફિકની દ્રષ્ટિએ શહેરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ગણાય છે. અહીં દરરોજ 100થી વધુ ટ્રેનો અને અંદાજે 70 હજાર જેટલા રોડ વાહનોની સતત અવરજવર રહે છે. આવા સંજોગોમાં રેલવે અને માર્ગ વ્યવહારને ખલેલ પહોંચાડ્યા વિના આટલું મોટું કામ પૂરું કરવું એ એન્જિનિયરો માટે મોટો પડકાર હતો. જોકે, ટીમ દ્વારા સુરક્ષાના તમામ માપદંડો સાથે સમયબદ્ધ રીતે કામ પૂર્ણ કરી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં વપરાયેલી 'ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ' (FSLM) વિશેષ રીતે કારગત સાબિત થઈ છે. આ પદ્ધતિમાં ગર્ડરને પહેલાથી જ યાર્ડમાં તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ વિશેષ મશીનરીની મદદથી તેને ચોક્કસ જગ્યાએ ફિટ કરી દેવામાં આવે છે. આ ટેકનોલોજીના કારણે બાંધકામની ઝડપ વધી છે અને શહેરીજનોને થતી હાલાકીમાં મોટો ઘટાડો થયો છે. વડોદરામાં બુલેટ ટ્રેનનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે આગામી સમયમાં પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે.