Advertisement

બ્રેકિંગ: ગુજરાત પોલીસ બેડામાં મોટો ભૂકંપ! સિનિયર IPS અધિકારી મનોજ નિનામાનું રાજીનામું

બ્રેકિંગ: ગુજરાત પોલીસ બેડામાં મોટો ભૂકંપ! સિનિયર IPS અધિકારી મનોજ નિનામાનું રાજીનામું

ગાંધીનગર: ગુજરાતમાં આગામી ચૂંટણીઓના ધમધમાટ વચ્ચે રાજ્યના પોલીસ બેડામાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી (IG) તરીકે ફરજ બજાવતા વર્ષ ૨૦૦૬ની બેચના સિનિયર IPS અધિકારી મનોજ નિનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. મહત્ત્વની વાત એ છે કે, ચૂંટણીના આ માહોલ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવ્યું છે, જેના કારણે વહીવટી અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શામળાજીના વતની મનોજ નિનામા હવે સક્રિય રાજકારણમાં ઝંપલાવવાની તૈયારી કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. ચર્ચા તો એવી પણ છે કે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન તેમણે ગોપનીય રીતે ટિકિટની માંગણી પણ કરી છે.


મળતી માહિતી મુજબ, મનોજ નિનામા પોતાની નવી રાજકીય કારકિર્દીની શરૂઆત અરવલ્લી જિલ્લા પંચાયતની ચૂંટણીથી કરી શકે છે. એવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે કે તેઓ 'ઓડ' બેઠક પરથી ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશે. આગામી સમયમાં જાહેર થનારી ભાજપની યાદીમાં તેમનું નામ આવી શકે છે. સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે, જો તેઓ સ્થાનિક ચૂંટણીમાં વિજય મેળવશે, તો ભવિષ્યમાં તેમને વિધાનસભાની ચૂંટણીમાં પણ મહત્ત્વના દાવેદાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.


રાજીનામા બાદ ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે IPS મનોજ નિનામાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "મેં ૪૨ વર્ષની નોકરી બાદ રાજીનામું આપ્યું છે. સમાજનું મોટું ઋણ મારા પર છે, જેને મારી જવાબદારી સમજીને હું આગળ વધી રહ્યો છું. જોકે, હજુ સુધી કોઈ રાજકીય પક્ષે મારો સંપર્ક કર્યો નથી. મારો જિલ્લો નવો છે અને હું તેના વિકાસ માટેની જવાબદારીઓ નિભાવીશ."


એક ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે લાંબો અનુભવ ધરાવતા નિનામા હવે 'ખાખી' છોડીને 'ખાદી' ધારણ કરવા તરફ ડગ માંડી રહ્યા છે. અરવલ્લી વિસ્તારમાં તેમનો પ્રભાવ અને લોકસંપર્ક જોતા, રાજકારણમાં તેમનો પ્રવેશ આગામી ચૂંટણીના સમીકરણોમાં ચોક્કસથી મોટો ફેરફાર લાવી શકે છે.

Advertisement