આણંદ જિલ્લાના બોરીયાવી ગામમાં છેલ્લા એક અઠવાડિયાથી ઝાડા-ઉલટીના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અત્યાર સુધીમાં 170થી વધુ લોકોમાં ઝાડા-ઉલટીના લક્ષણો જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં તપાસ અને સારવારની કામગીરી તેજ કરવામાં આવી છે.
રોગચાળાના કારણોની તપાસ માટે આરોગ્ય વિભાગે ગામના વિવિધ વિસ્તારોમાંથી પાણીના કુલ 5 નમૂના એકત્ર કરી લેબોરેટરીમાં મોકલ્યા હતા. તપાસ બાદ 4 નમૂના યોગ્ય હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ગાંધીચોક વિસ્તારનો એક પાણીનો નમૂનો નાપાસ જાહેર થયો છે.
આ રિપોર્ટ બાદ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે બોરીયાવી પાલિકાને નોટિસ આપી ગામમાં આવેલી તમામ ખાણીપીણીની લારીઓને તાત્કાલિક બંધ કરાવવા સૂચના આપી છે, જેથી પાણીજન્ય રોગચાળાની સાથે ખોરાકજન્ય બીમારીનું જોખમ પણ વધે નહીં.
પ્રાથમિક માહિતી મુજબ, ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત ચાલી રહેલા ખોદકામ દરમિયાન મુખ્ય પાણીની પાઇપલાઇનમાં લીકેજ થયું હોવાની વિગતો સામે આવી છે. જેના કારણે દૂષિત પાણી પાણી પુરવઠાની લાઇનમાં ભળી ગયું હોવાની આશંકા છે.
દરમિયાન, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે રજાના દિવસે પણ બોરીયાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફને ફરજ પર રાખ્યો હતો. સામાન્ય રીતે જાહેર રજાના દિવસે ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ રહેતી હોય છે, પરંતુ હાલની સ્થિતિને પગલે ખાસ OPD પણ શરૂ રાખવામાં આવી હતી.
આજે દિવસ દરમિયાન ઝાડા-ઉલટીના લક્ષણો ધરાવતા 13 દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં આરોગ્ય તપાસ, પાણીના નમૂનાઓની ચકાસણી અને રોગચાળાને નિયંત્રણમાં લેવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
હાલ તંત્રનું મુખ્ય ધ્યાન દૂષિત પાણીના સંભવિત સ્ત્રોતને શોધવા, સ્વચ્છ પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા અને વધુ લોકો બીમારીની ઝપેટમાં ન આવે તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા પર છે.