મહુવા (ભાવનગર): ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજે વહેલી સવારે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. મહુવાના લાતીબજાર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, લાતીબજારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ગેસ લીકેજ થવાને કારણે અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટનો અવાજ એટલો ભીષણ હતો કે આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો અને સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ હતી. લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા.
વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે આસપાસના ત્રણ મકાનોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે તેમજ કેટલાક ભાગોમાં છત અને બારીઓને પણ નુકસાન થયાની માહિતી મળી રહી છે.
ઘટનાની જાણ થતા જ મહુવા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિકોની મદદથી ઘરમાં ફસાયેલા લોકોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજને જ બ્લાસ્ટનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. હાલ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.