ભાવનગર હોસ્ટેલમાં રેગિંગનો ગંભીર મામલો! 🚨

ભાવનગર હોસ્ટેલમાં રેગિંગનો ગંભીર મામલો! 🚨

ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે રેગિંગ, મારપીટ અને અમાનવીય વર્તનનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઘટનાને લઈને શહેર યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, 14 વર્ષીય વિદ્યાર્થીએ ત્રણ મહિના પહેલા અભ્યાસ માટે કાળિયાબીડની માધવ બોયઝ હોસ્ટેલમાં પ્રવેશ લીધો હતો. પિતાની ફરિયાદ પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી રૂમમાં રહેતા ચાર સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

આરોપ છે કે સગીરને જબરદસ્તી સિગારેટ પીવડાવવામાં આવતી અને ના પાડતા માર મારવામાં આવતો હતો. એટલું જ નહીં, તેની પાસે મસાજ કરાવવા, માથામાં તેલ નખાવવા જેવા અંગત કામો પણ કરાવવામાં આવતા હતા.

ફરિયાદ પ્રમાણે, સગીરને રૂમ અને બાથરૂમમાં પૂરી દેવામાં આવતો હતો અને આ વાત કોઈને કહેશે તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવતી હતી.

જ્યારે સગીરના પિતાને આ સમગ્ર ઘટનાની જાણ થઈ, ત્યારે તેમણે હોસ્ટેલના સંચાલકને જાણ કરી હતી. જોકે, સંચાલકે માત્ર ઠપકો આપી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

પિતાએ હોસ્ટેલના CCTV ફૂટેજ તપાસતા તેમાં વિદ્યાર્થી સાથે મારપીટ અને તેને બાથરૂમમાં પૂરવાના દ્રશ્યો જોવા મળ્યા હોવાનો દાવો કર્યો છે.

આ મામલે ચાર સિનિયર વિદ્યાર્થીઓ ઉપરાંત હોસ્ટેલના બે કર્મચારીઓ અંકુર અને જીગર સામે પણ ફરિયાદ નોંધાઈ છે. ઘટના સામે આવ્યા બાદ સંચાલકે ચારેય વિદ્યાર્થીઓને રસ્ટીકેટ કરી દીધા હતા.

બીજી તરફ, યુથ કોંગ્રેસ અને NSUIએ ઘટનાનો વિરોધ કરી હોસ્ટેલ સંચાલકોની જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હવે પોલીસ તપાસમાં આ સમગ્ર મામલામાં વધુ શું સામે આવે છે, તેના પર સૌની નજર છે.