મુંબઈ: ભારત અને ફ્રાંસ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી આજે એક નવો ઈતિહાસ રચવા જઈ રહી છે. ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન ચાર દિવસના ભારત પ્રવાસે મંગળવારે મુંબઈ પહોંચી ગયા છે. આજે 17 ફેબ્રુઆરી, 2026ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ મેક્રોન વચ્ચે મુંબઈમાં હાઈ-લેવલ બેઠક યોજાશે. આ મુલાકાતનો સૌથી મોટો આકર્ષણનો મુદ્દો આઝાદી પછીની સૌથી મોટી હથિયાર ખરીદી એટલે કે ₹3.25 લાખ કરોડની 'રાફેલ મેગા ડીલ' છે.
114 નવા રાફેલ વિમાનોથી વાયુસેના બનશે 'અભેદ્ય'
આ ઐતિહાસિક સોદા હેઠળ ભારત ફ્રાંસની દસોલ્ટ એવિએશન પાસેથી 114 આધુનિક રાફેલ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ (MRFA) ખરીદશે. જેમાંથી 18 વિમાન તૈયાર સ્થિતિમાં ફ્રાંસથી આવશે, જ્યારે બાકીના 96 વિમાનોનું નિર્માણ 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ ભારતમાં જ કરવામાં આવશે. આ ડીલથી ભારતીય વાયુસેનાની તાકાતમાં 50% થી વધુનો વધારો થશે, જે ચીન અને પાકિસ્તાન સામે ભારતની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
શું છે ‘F-5’ સુપર રાફેલની તાકાત?
આ ડીલની સૌથી મોટી વિશેષતા 'સુપર રાફેલ' એટલે કે F-5 વેરિઅન્ટ છે. ભારત જે 114 વિમાન ખરીદવાનું છે, તેમાંથી 24 વિમાન F-5 વર્ઝનના હશે. આ વિમાન સિકસ્થ જનરેશન (6th Gen) જેવી ક્ષમતા ધરાવે છે. તેમાં એડવાન્સ સ્ટીલ્થ ફીચર્સ (જે રડારમાં પકડાય નહીં), આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને 'કિલ-વેબ' ટેકનોલોજી હશે. આ ટેકનોલોજી ટ્રાન્સફર (ToT) દ્વારા ભારત ભવિષ્યમાં પોતાની રીતે પણ આવા શક્તિશાળી વિમાનો બનાવી શકશે.
સંરક્ષણ ઉપરાંત અનેક ક્ષેત્રોમાં કરાર
આજે બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોક ભવનમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. ત્યારબાદ સાંજે તેઓ 'ભારત-ફ્રાંસ ઇનોવેશન વર્ષ 2026'નું ઉદઘાટન કરશે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ સિવાય વેપાર, આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને સપ્લાય ચેન જેવા ક્ષેત્રોમાં પણ એક ડઝન જેટલા મહત્વપૂર્ણ કરારો થવાની સંભાવના છે.
વૈશ્વિક મુદ્દાઓ પર મંથન
પ્રમુખ મેક્રોન 19 ફેબ્રુઆરીએ દિલ્હીમાં 'AI ઇમ્પેક્ટ સમિટ'માં પણ ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન બંને નેતાઓ રશિયા-યુક્રેન યુદ્ધ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ભારત અને ફ્રાંસના મજબૂત થતા સંબંધો વિશ્વના રાજકારણમાં એક નવી મિશાલ રજૂ કરશે.