બાળકોના સ્વાસ્થ્ય માટે ગુજરાતના 5 ગામોની અનોખી પહેલ, નાસ્તાના પડીકા અને ફાસ્ટફૂડના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

બાળકોના સ્વાસ્થ્ય માટે ગુજરાતના 5 ગામોની અનોખી પહેલ, નાસ્તાના પડીકા અને ફાસ્ટફૂડના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ

ગુજરાતના અનેક ગામોમાં બાળકોમાં વધતા પેકેટવાળા નાસ્તાના વપરાશને લઈને ગ્રામજનોએ અનોખી પહેલ શરૂ કરી છે. બનાસકાંઠા, મહેસાણા અને જૂનાગઢ જિલ્લાના પાંચ ગામોમાં ગ્રામસભા અને સ્થાનિકોની સહમતીથી બાળકો દ્વારા મોટા પ્રમાણમાં ખાવામાં આવતા નાસ્તાના પડીકા અને કેટલાક સ્થળોએ ફાસ્ટફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, રૂ.5થી રૂ.10માં મળતા પેકેટવાળા નાસ્તાના કારણે બાળકોના ઘરનું ભોજન અને પૌષ્ટિક આહાર પ્રત્યેની રુચિ ઘટતી હોવાની ચિંતા હતી. આથી ગામના વેપારીઓ, સરપંચો અને ગ્રામજનોએ સાથે મળીને આવા ખાદ્યપદાર્થોના વેચાણને નિયંત્રિત કરવાનો નિર્ણય લીધો છે.

જૂનાગઢના ચૂલડીમાં દુકાનોમાંથી પડીકા ગાયબ

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચૂલડી ગામમાં આશરે 15 દિવસ પહેલાં ગ્રામજનો, સરપંચ અને વેપારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રૂ.5-10માં મળતા તૈયાર નાસ્તાના પડીકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો હતો.

ગામની આશરે 2,400ની વસ્તીમાંથી 500થી વધુ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું સરપંચ દેવાયત નંદાણિયાએ જણાવ્યું હતું. વેપારીઓએ પણ નિર્ણયને સમર્થન આપ્યું હતું.

ગામમાં દુકાનદારો હવે બાળકો માટેના પેકેટવાળા નાસ્તાનું વેચાણ કરતા નથી. ગ્રામજનોનું કહેવું છે કે બાળકો શરૂઆતમાં પડીકા માટે જીદ કરતા હતા, પરંતુ હવે વાલીઓ ઘરે જ વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

વેપારી નાજાભાઈ પીઠિયાના જણાવ્યા મુજબ, વેપાર પર અસર થતી હોવા છતાં બાળકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને આ નિર્ણય સ્વીકારવામાં આવ્યો છે.

મહેસાણાના ચાણસોલમાં પડીકા સાથે ફાસ્ટફૂડ પર પણ નિર્ણય

મહેસાણાના ખેરાલુ તાલુકાના ચાણસોલ અને ડાવોલ ગામમાં પણ પેકેટવાળા નાસ્તાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચાણસોલમાં ગ્રામસભા દરમિયાન આ અંગે નિર્ણય લેવાયો હતો. બાદમાં વેપારીઓ સાથે બેઠક યોજીને નિર્ણયનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.

ચાણસોલના સરપંચ જીવણભાઈના જણાવ્યા અનુસાર, ગામની વસ્તી આશરે 5 હજાર છે. બાળકો પડીકા અને ફાસ્ટફૂડના કારણે નિયમિત ભોજન ન લેતા હોવાની ચિંતા વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગામમાં પ્રથમ વખત નિયમનો ભંગ કરનારને રૂ.5 હજાર અને બીજી વખત પકડાય તો રૂ.10 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

જોકે, સ્થળ તપાસ દરમિયાન ગામની એકાદ દુકાન પર ફાસ્ટફૂડનું વેચાણ જોવા મળ્યું હોવાનું પણ સામે આવ્યું છે. એટલે પ્રતિબંધના અમલ અંગે પણ સવાલો ઊભા થયા છે.

બાદરગઢમાં પડીકા સાથે પ્લાસ્ટિકના સામાન પર પણ પ્રતિબંધ

પાલનપુર તાલુકાના બાદરગઢ ગામમાં ગ્રામસભા દ્વારા નમકીનના પડીકા ઉપરાંત પ્લાસ્ટિકના ઝબલા અને પ્લાસ્ટિકના કપના વેચાણ પર પણ નિયંત્રણ મૂકવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.

ઠરાવ મુજબ, દુકાનદારો બહારથી નમકીનના પડીકા લાવીને ગામમાં વેચાણ કરી શકશે નહીં. પ્રથમ વખત નિયમનો ભંગ થાય તો રૂ.1 હજારનો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.

વારંવાર નિયમનો ભંગ કરનાર દુકાનદાર સામે પાણીનું કનેક્શન કાપવા તેમજ વીજ કનેક્શન અંગે સંબંધિત વિભાગને કાર્યવાહી માટે જાણ કરવાની જોગવાઈ પણ ઠરાવમાં કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

રણાવાડામાં પડીકાના વેચાણ પર આંશિક પ્રતિબંધ

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રણાવાડા ગામમાં પણ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નાસ્તાના કેટલાક પડીકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

સ્થાનિક સંમતિ મુજબ દુકાનદારો દ્વારા કેટલાક નાસ્તાના પડીકાનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે, જ્યારે મમરા, વેફર અને કેવડા જેવી વસ્તુઓનું વેચાણ ચાલુ રાખવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

નક્કી કરાયેલા નિયમોનો ભંગ કરીને મંજૂર ન હોય તેવી વસ્તુઓનું વેચાણ કરનાર પાસેથી રૂ.5 હજારનો દંડ વસૂલી ગૌશાળામાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

બાળકોના સ્વાસ્થ્યને લઈને ગામડાઓમાં જાગૃતિ

આ પાંચેય ગામોમાં લેવાયેલા નિર્ણય પાછળનો મુખ્ય મુદ્દો બાળકોને પેકેટવાળા નાસ્તા અને ફાસ્ટફૂડથી દૂર રાખવાનો છે. ગ્રામજનોનું કહેવું છે કે બાળકોને બહારના નાસ્તાની જગ્યાએ ઘરે બનાવેલો પૌષ્ટિક ખોરાક મળે તે માટે વાલીઓએ પણ ભૂમિકા ભજવવી જોઈએ.

વેપારીઓ અને ગ્રામજનોની સહમતીથી લેવાયેલા આ નિર્ણયોમાં ક્યાંક સંપૂર્ણ પ્રતિબંધ, તો ક્યાંક ચોક્કસ ખાદ્યપદાર્થો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. હવે આ નિયમોનો કેટલો અસરકારક અમલ થાય છે અને અન્ય ગામો પણ આવી પહેલ અપનાવે છે કે નહીં તે જોવાનું રહેશે.