Advertisement

બંગાળમાં ભાજપ યુગનો પ્રારંભ: શુભેન્દુ અધિકારીએ લીધા મુખ્યમંત્રી પદના શપથ, PM મોદી સહિત 20 CM રહ્યા હાજર

બંગાળમાં ભાજપ યુગનો પ્રારંભ: શુભેન્દુ અધિકારીએ લીધા મુખ્યમંત્રી પદના શપથ, PM મોદી સહિત 20 CM રહ્યા હાજર

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજે 9મી મેના રોજ એક સુવર્ણ અધ્યાય લખાયો છે. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપના કદાવર નેતા શુભેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા તૃણમૂલ કોંગ્રેસના શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો છે.


ભવ્ય શપથવિધિ અને શક્તિ પ્રદર્શન

રાજ્યપાલ દ્વારા શુભેન્દુ અધિકારીને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ સમારોહ માત્ર શપથવિધિ નહીં, પરંતુ ભાજપનું એક પ્રચંડ શક્તિ પ્રદર્શન બની રહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં એનડીએ શાસિત 20થી વધુ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ થાય છે.


શુભેન્દુ અધિકારીની ટીમ: આ 5 મંત્રીઓએ પણ લીધા શપથ

મુખ્યમંત્રીની સાથે મંત્રીમંડળના મહત્વના સભ્યોએ પણ શપથ લીધા હતા, જેમાં અનુભવી અને નવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળ્યું છે:


દિલીપ ઘોષ

અગ્નિમિત્રા પોલ

નિશીથ પ્રમાણિક

અશોક કીર્તિનિયા

ખુદીરામ ટૂડું


PM મોદીએ વડીલ કાર્યકરના ચરણસ્પર્શ કરી જીત્યું દિલ

સમારોહની સૌથી ભાવુક અને યાદગાર ક્ષણ ત્યારે હતી જ્યારે વડાપ્રધાન મોદીએ બંગાળ ભાજપના સૌથી જૂના કાર્યકર માખણલાલ સરકારને મંચ પર સન્માનિત કર્યા હતા. પીએમ મોદીએ તેમને ગળે લગાડ્યા અને વડીલ કાર્યકરના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા, જે કાર્યકરો પ્રત્યેની તેમની નિષ્ઠા દર્શાવે છે.


'સોનાર બાંગ્લા'ની થીમ અને શહીદ પરિવારોને સન્માન

આ આખો કાર્યક્રમ 'સોનાર બાંગ્લા'ની થીમ પર આધારિત હતો. ભાજપે આ તકે એક સંવેદનશીલ નિર્ણય લેતા TMC શાસન દરમિયાન રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા 200થી વધુ લોકોના પરિવારોને ખાસ સન્માન સાથે આમંત્રિત કર્યા હતા. આ ઉપરાંત ઉદ્યોગપતિ સંજય બુધિયા અને જાણીતી અભિનેત્રી મમતા શંકર જેવી હસ્તીઓ પણ આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની હતી.


ચુસ્ત સુરક્ષા અને લાખોની જનમેદની

બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર લાખો સમર્થકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની સુરક્ષા માટે સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવાયો હતો. 1,000 VVIP મહેમાનો અને હજારો આમંત્રિતો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂર્વોત્તર રાજ્યોના સીએમ પેમા ખાંડુ, નેફિયુ રિયો અને હિમંતા બિસ્વા સરમાએ પણ હાજરી આપીને બંગાળમાં ભાજપના આગમનને વધાવ્યું હતું.

Advertisement