Advertisement

અમૂલ ફ્રેશ દૂધના ભાવમાં વધારો, 14 મેથી નવા દર લાગુ

અમૂલ ફ્રેશ દૂધના ભાવમાં વધારો, 14 મેથી નવા દર લાગુ

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) દ્વારા અમૂલ દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. કંપનીએ વિવિધ દૂધ વેરિઅન્ટમાં પ્રતિ લિટર રૂ. 2 થી રૂ. 3 સુધીનો વધારો કર્યો છે. નવા ભાવ 14 મે 2026થી અમલમાં આવશે.


કંપનીના જણાવ્યા મુજબ પશુઆહાર, પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ દૂધ ઉત્પાદક ખેડૂતોને વધુ વળતર મળી રહે તે માટે પણ ભાવ સુધારો કરાયો છે. અમૂલનું કહેવું છે કે ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત દૂધ પહોંચાડવા અને ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવા ભાવ વધારો જરૂરી બન્યો હતો.


નવા દર મુજબ અમૂલ તાજા દૂધની 500 મિલી પેકેટ હવે રૂ. 29માં મળશે, જે અગાઉ રૂ. 28 હતી. એક લિટર તાજા દૂધની કિંમત રૂ. 55માંથી વધારી રૂ. 57 કરવામાં આવી છે. ગાયનું દૂધ 500 મિલી પેકેટ રૂ. 30માં મળશે.


અમૂલ શક્તિ દૂધની 500 મિલી પેકેટની કિંમત હવે રૂ. 32 રહેશે. ટી સ્પેશિયલ એક લિટર પેકેટ રૂ. 66માં મળશે, જ્યારે ગોલ્ડ દૂધની 500 મિલી પેકેટ રૂ. 35માં અને બફેલો દૂધની 500 મિલી પેકેટ રૂ. 39માં ઉપલબ્ધ રહેશે.


અમૂલ દ્વારા કરવામાં આવેલા આ ભાવવધારાની અસર રાજ્યભરના ગ્રાહકો પર જોવા મળશે. જોકે કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવાયો છે.

Advertisement