અમેરિકામાં હિંદુ મંદિરને નિશાન બનાવાયું, ઈંટમારાથી બારીઓ તૂટી; CCTV ફૂટેજથી તપાસ શરૂ

અમેરિકામાં હિંદુ મંદિરને નિશાન બનાવાયું, ઈંટમારાથી બારીઓ તૂટી; CCTV ફૂટેજથી તપાસ શરૂ

અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી હિંદુ મંદિરને નિશાન બનાવાયાની ઘટના સામે આવી છે. શુક્રવારે રિચમંડ હાઇટ્સ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં મંદિરની ઈમારતને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, ઘટના બપોરે આશરે 1:30 વાગ્યે બની હતી. અજાણ્યા હુમલાખોરોએ મંદિરની ઈમારત તરફ ઈંટો ફેંકી હતી. ઈંટમારાને કારણે મંદિરની કેટલીક બારીઓના કાચ તૂટી ગયા હતા.

ઘટના સમયે મંદિરની અંદર પૂજારી અને શ્રદ્ધાળુઓ હાજર

કોઅલિશન ઑફ હિંદુઝ ઑફ નોર્થ અમેરિકા (CoHNA)ના જણાવ્યા અનુસાર, હુમલો થયો ત્યારે મંદિર પરિસરમાં પૂજારી સહિત અનેક શ્રદ્ધાળુઓ હાજર હતા.

હાલની માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાની વિગતો સામે આવી નથી. ઘટનાને પગલે સ્થાનિક અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

CCTV ફૂટેજ તપાસમાં મહત્વનું બની શકે

હિંદુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું છે કે મંદિર પરિસરની ઘટનાના CCTV ફૂટેજ ઉપલબ્ધ છે. તપાસ એજન્સીઓ આ ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

સંગઠન દ્વારા આ મામલે FBI અને સિવિલ રાઇટ્સ અધિકારીઓને પણ માહિતી આપવામાં આવવાની વાત કરવામાં આવી છે.

હિંદુ સંગઠને હેટ ક્રાઇમની શક્યતા વ્યક્ત કરી

હિંદુ અમેરિકન ફાઉન્ડેશને આ ઘટનાને સંભવિત હેટ ક્રાઇમ તરીકે તપાસવાની માગ કરી છે. સંગઠનનું કહેવું છે કે હિંદુ-અમેરિકન સમુદાય વિરુદ્ધ નફરતભર્યા નિવેદનો અને ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ હુમલાની પણ ગંભીરતાથી તપાસ થવી જોઈએ.

સંગઠને કાયદો અમલ કરાવતી એજન્સીઓને હુમલાખોરો સામે ઝડપથી કાર્યવાહી કરવાની અપીલ કરી છે. સાથે જ અમેરિકન નેતાઓ અને સરકારી સંસ્થાઓને હિંદુ તથા ભારતીય-અમેરિકન સમુદાયો વિરુદ્ધની નફરતભરી ભાષાની નિંદા કરવા પણ અપીલ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં મંદિરોને નિશાન બનાવવાની ઘટનાઓ

હિંદુ સ્વયંસેવક સંઘ USAના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અમેરિકામાં હિંદુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડની 15થી વધુ ઘટનાઓ સામે આવી છે. આમાંથી કેટલીક ઘટનાઓ BAPS મંદિરો સાથે પણ જોડાયેલી હતી.

અગાઉ પણ અમેરિકાના વિવિધ વિસ્તારોમાં હિંદુ ધાર્મિક સ્થળો સાથે જોડાયેલી તોડફોડની ઘટનાઓ નોંધાઈ ચૂકી છે.

  • ઓગસ્ટ 2022: ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારમાં આવેલા શ્રી તુલસી મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
  • ડિસેમ્બર 2023: કેલિફોર્નિયાના નેવાર્કમાં SMVS શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર નફરતભર્યા લખાણો લખવામાં આવ્યા હતા.
  • સપ્ટેમ્બર 2024: ન્યૂયોર્કના મેલવિલ અને કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં આવેલા BAPS મંદિરોમાં તોડફોડની ઘટનાઓ સામે આવી હતી.
  • માર્ચ 2025: કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા BAPS મંદિરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને મંદિર પર વાંધાજનક સંદેશા લખવામાં આવ્યા હતા.

તપાસ બાદ જ હુમલાનું કારણ સ્પષ્ટ થશે

હાલ ઓહાયોના મંદિર પર થયેલા હુમલાનું ચોક્કસ કારણ અને હુમલાખોરોની ઓળખ અંગે સત્તાવાર તપાસ ચાલી રહી છે. CCTV ફૂટેજ સહિત ઉપલબ્ધ પુરાવાના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. હુમલો ખરેખર હેટ ક્રાઇમ હતો કે અન્ય કોઈ કારણસર કરવામાં આવ્યો હતો, તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.