Advertisement

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન, પદયાત્રીઓને વાહને કચડ્યા, એકનું મોત

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન, પદયાત્રીઓને વાહને કચડ્યા, એકનું મોત

અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર ભક્તિ યાત્રા દરમિયાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જેમાં મહેસાણાથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર જઈ રહેલા પદયાત્રીઓને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક પદયાત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય એક પદયાત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

મળતી માહિતી મુજબ, શ્રદ્ધાળુઓનો સંઘ માતાજીનો રથ લઈને પગપાળા યાત્રા કરી રહ્યો હતો ત્યારે અચાનક ઝડપી ગતિએ આવેલા વાહને તેમને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બગોદરા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક પદયાત્રીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ અન્ય એક વ્યક્તિને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.

ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરાર વાહનચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement