અમદાવાદમાં રોડ પર ફળ-શાકભાજી વેચાણને લઈને AMCની કડકાઈ, નિયમ તોડનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદમાં રોડ પર ફળ-શાકભાજી વેચાણને લઈને AMCની કડકાઈ, નિયમ તોડનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ અને ફૂટપાથ પર શાકભાજી તથા ફળનું વેચાણ કરતા સ્ટ્રીટ વેન્ડર્સ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. ટ્રાફિકની સમસ્યા અને રાહદારીઓને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જાહેર રોડ પર લારી ઉભી રાખીને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને શહેરના તમામ ફળ અને શાકભાજીના સ્ટ્રીટ વેન્ડર્સને સૂચના આપવામાં આવી છે. હવે વેપારીઓએ પોતાની વેચાણ પ્રવૃત્તિ માત્ર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટ અને નિયત સ્થળોએ જ કરવાની રહેશે.

રોડ પર લારી ઉભી રાખવા પર કાર્યવાહી

AMCના જણાવ્યા પ્રમાણે, જાહેર રસ્તા, ફૂટપાથ અથવા ટ્રાફિકને અડચણરૂપ બને તેવી જગ્યાએ શાકભાજી અને ફળનું વેચાણ કરવાથી વાહનચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડે છે. ખાસ કરીને સાંજના સમયે રસ્તા પર લારીઓ અને બજાર ભરાવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો સામે આવી છે.

આથી હવે જાહેર રોડ અથવા ફૂટપાથ પર વેચાણ કરતા વેન્ડર્સ સામે તેને ગેરકાયદેસર દબાણ ગણી કાર્યવાહી કરવામાં આવશે.

લારી અને માલ-સામાન જપ્ત કરવાની ચેતવણી

નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમાં લારી અને વેચાણનો માલ-સામાન જપ્ત કરવાની સાથે દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

વેજીટેબલ માર્કેટમાં જ કરવું પડશે વેચાણ

શહેરમાં શાકભાજી અને ફળના વેપારીઓ માટે અલગ-અલગ વિસ્તારોમાં વેજીટેબલ માર્કેટની વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં કેટલાક વેપારીઓ જાહેર રસ્તા પર જ વેચાણ કરતા હોવાનો AMCનો ઉલ્લેખ છે.

હવે એસ્ટેટ વિભાગે આવા વેપારીઓને નિયત વેજીટેબલ માર્કેટમાં બેસીને જ વેપાર કરવા સૂચના આપી છે. જાહેર માર્ગો અને ફૂટપાથને ટ્રાફિક તથા રાહદારીઓ માટે સુગમ રાખવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.