અમદાવાદમાં MBA વિદ્યાર્થી બાઈક ચોરીમાં ઝડપાયો, અગાઉ IT કંપનીમાં કરતો હતો ₹60 હજારના પગારની નોકરી

અમદાવાદમાં MBA વિદ્યાર્થી બાઈક ચોરીમાં ઝડપાયો, અગાઉ IT કંપનીમાં કરતો હતો ₹60 હજારના પગારની નોકરી

અમદાવાદ: શહેરના સોલા વિસ્તારમાં થયેલી બાઈક ચોરીનો ભેદ પોલીસે ઉકેલી એક યુવકની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યુવક MBAનો અભ્યાસ કરે છે અને અગાઉ IT કંપનીમાં આશરે ₹60 હજારના પગાર પર નોકરી કરતો હતો. નોકરી છૂટી ગયા બાદ તે Blinkitમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, હાલની આવક પૂરતી ન હોવાને કારણે યુવકે બાઈક ચોરીનો રસ્તો અપનાવ્યો હતો. ચાણક્યપુરી વિસ્તારમાંથી ચોરાયેલી બાઈક અંગે ફરિયાદ મળ્યા બાદ સોલા પોલીસે તપાસ શરૂ કરી હતી.

CCTVમાં ટોપી પહેરી બાઈક લઈ જતો દેખાયો

ચોરીની તપાસ દરમિયાન પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજમાં એક શખસ માથે ટોપી પહેરીને બાઈક લઈ જતો જોવા મળ્યો હતો. ખાસ વાત એ હતી કે શખસે માથું મુંડાવેલું હતું.

CCTVના આધારે પોલીસે ચાણક્યપુરી વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી. સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસ એક મકાન સુધી પહોંચી હતી, જ્યાં મુંડન કરાવેલો એક યુવક રહેતો હોવાનું સામે આવ્યું હતું.

હિંમતનગરના 25 વર્ષીય યુવકની ધરપકડ

પોલીસે મકાનમાં તપાસ કરતા દર્શન તિરગર (ઉંમર 25 વર્ષ) મળી આવ્યો હતો. મૂળ હિંમતનગરનો દર્શન ચાણક્યપુરી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પૂછપરછ અને તપાસ બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.

પોલીસે તેની પાસેથી ચોરી કરાયેલી બાઈક પણ કબજે કરી છે.

₹60 હજારની નોકરી છૂટી, પછી Blinkitમાં કામ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દર્શન અગાઉ એક IT કંપનીમાં નોકરી કરતો હતો, જ્યાં તેને આશરે ₹60 હજારનો પગાર મળતો હતો. નોકરી છૂટી ગયા બાદ તે Blinkitમાં ડિલિવરી બોય તરીકે કામ કરવા લાગ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, યુવક પાસે પોતાની ફોરવ્હીલર પણ છે અને તેના મોજશોખ તથા ખર્ચને કારણે હાલની આવક પૂરતી ન પડતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિમાં તેણે બાઈક ચોરી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પરિવાર સાથે પણ સંપર્કનો પ્રયાસ

દર્શનનો પરિવાર હિંમતનગરમાં રહે છે. પોલીસે પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, પરિવાર તરફથી પણ દર્શન સાથે મળવાની અનિચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.

હાલ સોલા પોલીસે આરોપીએ અગાઉ અન્ય કોઈ વાહન કે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.