અમદાવાદમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જીત રાવલે લીધી નિવૃત્તિ, 24 ટેસ્ટમાં બનાવ્યા 1,143 રન

અમદાવાદમાં જન્મેલા ન્યૂઝીલેન્ડના ક્રિકેટર જીત રાવલે લીધી નિવૃત્તિ, 24 ટેસ્ટમાં બનાવ્યા 1,143 રન

WTC વિજેતા ટીમનો રહી ચૂક્યો હતો ભાગ, 38 વર્ષની ઉંમરે ક્રિકેટને અલવિદા કહી હવે CA તરીકે કારકિર્દી આગળ વધારશે

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 38 વર્ષીય જીત રાવલે 2026-27ની સ્થાનિક ક્રિકેટ સીઝન શરૂ થાય તે પહેલાં આ નિર્ણય લીધો છે. અમદાવાદમાં જન્મેલા જીત રાવલ ન્યૂઝીલેન્ડની 2021માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) જીતનાર ટીમનો ભાગ પણ રહી ચૂક્યા છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) તરીકે પોતાની કારકિર્દી આગળ વધારશે.

પિતાનું સપનું પૂરું કરવા ન્યૂઝીલેન્ડ પહોંચ્યો હતો પરિવાર

જીત રાવલે નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સ ક્રિકેટ એસોસિયેશનને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડની રાષ્ટ્રીય ટીમ માટે રમવું તેમનું અને તેમના પિતાનું બાળપણનું સપનું હતું. આ સપનું પૂરું કરવાની તક મળે તે માટે તેમના પિતાએ આખા પરિવારને ન્યૂઝીલેન્ડમાં સ્થળાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો.

રાવલે નિવૃત્તિ અંગે સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે બ્લેકકેપ્સ માટે રમવું તેમના અને તેમના પિતાનું સપનું હતું. પરિવારના સહયોગને કારણે જ તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચી શક્યા હતા.

અમદાવાદમાં જન્મેલા જીત રાવલ શાળાના દિવસોમાં વિદ્યાનગરમાં ક્રિકેટ રમતા હતા. આ દરમિયાન તેઓ ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર બેટર પાર્થિવ પટેલ સાથે પણ રમ્યા હતા. બંને ખેલાડીઓ ઓપનિંગ બેટિંગ કરતા હતા. કિશોરાવસ્થામાં તેમનો પરિવાર ગુજરાતથી ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડ સ્થળાંતરિત થયો હતો.

24 ટેસ્ટ મેચમાં 1,143 રન બનાવ્યા

જીત રાવલે નવેમ્બર 2016માં ક્રાઇસ્ટચર્ચ ખાતે પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2016થી 2020 દરમિયાન તેમણે ન્યૂઝીલેન્ડ માટે કુલ 24 ટેસ્ટ મેચ રમી હતી. આ મેચોમાં તેમણે 30.07ની સરેરાશથી 1,143 રન બનાવ્યા હતા. ટેસ્ટ કારકિર્દીમાં તેમના નામે એક સદી અને સાત અડધી સદી નોંધાયેલી છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 132 રન રહ્યો હતો.

ટેસ્ટ કારકિર્દીની શરૂઆત બાદ પ્રથમ સદી ફટકારવા માટે તેમને 28 ઇનિંગ્સની રાહ જોવી પડી હતી. જોકે, 2019માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન નબળા પ્રદર્શનને કારણે તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.

આ મુશ્કેલ સમય છતાં રાવલે સિનિયર ખેલાડીઓ તરફથી મળેલા સમર્થનનો ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, કેન વિલિયમસન અને રોસ ટેલર સહિતના ખેલાડીઓએ તેમનો સાથ આપ્યો હતો.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,432 રન અને 24 સદી

જીત રાવલની સ્થાનિક ક્રિકેટ કારકિર્દી પણ નોંધપાત્ર રહી છે. ડિસેમ્બર 2008માં ઓકલેન્ડ તરફથી વેસ્ટ ઇન્ડીઝ સામેની મેચથી તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમણે 164 મેચની 292 ઇનિંગ્સમાં 10,432 રન બનાવ્યા હતા. તેમની સરેરાશ 37.66 રહી હતી. આ દરમિયાન તેમણે 24 સદી અને 50 અડધી સદી ફટકારી હતી.

તેમની કારકિર્દીના મુખ્ય આંકડા નીચે મુજબ છે:

  • ફર્સ્ટ ક્લાસ રન: 10,432

  • સદી: 24

  • અડધી સદી: 50

  • પ્લન્કેટ શીલ્ડમાં રન: 8,662

  • ટેસ્ટ મેચ: 24

  • ટેસ્ટમાં સર્વોચ્ચ સ્કોર: 132 રન

ડિસેમ્બર 2025માં નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સની કેપ્ટનશિપ દરમિયાન તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,000 રનનો આંકડો પાર કરનારા ન્યૂઝીલેન્ડના 30મા ખેલાડી બન્યા હતા.

નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સને 13 વર્ષ બાદ અપાવ્યો ખિતાબ

જીત રાવલની કારકિર્દીમાં કેપ્ટન તરીકેની સફળતા પણ મહત્ત્વપૂર્ણ રહી છે. 2024-25ની સીઝનમાં તેમના નેતૃત્વ હેઠળ નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સે 13 વર્ષ બાદ પ્લન્કેટ શીલ્ડનો ખિતાબ જીત્યો હતો.

બેટિંગ ઉપરાંત તેમણે પાર્ટ-ટાઇમ લેગ સ્પિનર તરીકે પણ યોગદાન આપ્યું હતું. તેમણે 14 વિકેટ ઝડપી હતી અને તેમની બોલિંગ સરેરાશ 11.14 રહી હતી. આ દરમિયાન તેમણે પ્રથમ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી.

નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સના ક્રિકેટ જનરલ મેનેજર ઇયાન સેન્ડબ્રુકે રાવલના યોગદાનની પ્રશંસા કરતાં તેમને અનુભવી ખેલાડી, ઉત્તમ ટીમમેટ અને શાંત નેતૃત્વ ધરાવતા કેપ્ટન ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ટીમને રાવલના રન, વિકેટ અને નેતૃત્વની ખોટ વર્તાશે.

હવે CA તરીકે કારકિર્દી પર ધ્યાન આપશે

જીત રાવલ 2019-21ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઇકલ દરમિયાન ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ હતા. જૂન 2021માં ન્યૂઝીલેન્ડે ખિતાબ જીત્યો ત્યારે તેઓ ટીમનો ભાગ બન્યા હતા અને વિજયની ઉજવણીમાં પણ જોડાયા હતા.

માર્ચ 2026માં સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ્સ સામે નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ્સ તરફથી રમાયેલી મેચ તેમની છેલ્લી સ્પર્ધાત્મક મેચ રહી હતી.

હવે પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા કહ્યા બાદ જીત રાવલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરશે. ક્રિકેટના મેદાન પર લાંબી સફર પૂર્ણ કરીને તેઓ હવે વ્યવસાયિક ક્ષેત્રમાં નવી ઇનિંગ્સ શરૂ કરવા જઈ રહ્યા છે.