અમદાવાદ શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શનમાં આવી છે. શહેરમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓમાં પોલીસે સપાટો બોલાવીને ડ્રગ્સની હેરાફેરી અને વાહન ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
ફિલ્મી દ્રશ્યો: કાર ચેઝિંગ બાદ ડ્રગ્સ પેડલરનો પોલીસ પર જીવલેણ હુમલો
અમદાવાદના ભાટ ગામ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી અંગે ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી. માહિતી હતી કે એક યુવક પોતાની કારમાં મોટી માત્રામાં એમડી ડ્રગ્સ લઈને પસાર થવાનો છે. આ સચોટ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેવો આરોપી ત્યાંથી કાર લઈને પસાર થયો, ત્યારે પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પકડાવાના ડરથી આરોપીએ કાર રોકવાના બદલે ભગાડી મૂકી હતી, જેના કારણે રસ્તા પર રીતસરના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસે આરોપીનો પીછો કરતા બંને કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત બાદ અફરાતફરીના માહોલ વચ્ચે તકનો લાભ ઉઠાવીને આરોપી કારમાંથી નીચે ઉતર્યો હતો અને ફરજ પરના PSI પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસકર્મીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલ તેઓ સારવાર હેઠળ છે.
જોકે, આ હુમલા વચ્ચે પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમના અન્ય સભ્યોએ સતર્કતા દાખવીને આરોપીને ઘટનાસ્થળે જ દબોચી લીધો હતો. આ સફળ ઓપરેશનમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 25 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે.
વાહન ચોરીના નેટવર્કનો પર્દાફાશ: સોલા પોલીસે 23 મોટરસાયકલ રિકવર કર્યા
શહેરમાં બનેલી અન્ય એક ઘટનામાં વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવામાં સોલા હાઇકોર્ટ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ સતત વાહન ચોરોને પકડવા માટે સક્રિય હતી, જેમાં તેમણે એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ છેલ્લા એક વર્ષથી શહેરમાં બાઇક ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યો હતો. પોલીસે તેની સઘન પૂછપરછ અને તપાસના આધારે ચોરાયેલા કુલ 23 મોટર સાયકલ રિકવર કર્યા છે. જપ્ત કરવામાં આવેલા આ તમામ વાહનોની કુલ અંદાજિત કિંમત 5,65,200 રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.