અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓને નાબૂદ કરવા માટે કાર્યરત પીસીબી ટીમે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે પોલીસે ચંદીગઢથી નડિયાદ તરફ જઈ રહેલા એક આઈસર ટ્રકને રોકી તપાસ કરતાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. આરોપીઓ દ્વારા ટીવીના ખોટા બિલની આડમાં ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને હેરાફેરી કરવામાં આવી રહી હતી.
પોલીસે નાના ચિલોડાથી દહેગામ ચાર રસ્તા તરફ જતા માર્ગ પર ‘ગામઠી રેસ્ટોરન્ટ’ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાંથી 67,57,488 રૂપિયાના વિદેશી દારૂ સહિત કુલ 87,67,928 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં રાજસ્થાનના કમલસિંહ યાદવને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય ચાર આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે. તેમની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પીસીબીએ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી બાદ બૂટલેગરોમાં ભારે ફફડાટ ફેલાયો છે.