આણંદ જિલ્લામાં શાળાકક્ષાએ રમતગમતની સુવિધાઓ અને વ્યાયામ શિક્ષકોની અછત વચ્ચે ખેલ મહાકુંભની ફરજિયાત એન્ટ્રીને લઈને શિક્ષણ જગતમાં પ્રશ્નો ઉભા થયા છે. છેલ્લા 15 વર્ષથી નવા વ્યાયામ શિક્ષકોની ભરતી નહીં થવાના દાવા વચ્ચે જિલ્લાના અનેક વિદ્યાર્થીઓ રમતગમતની વિવિધ શાખાઓથી અજાણ હોવાની સ્થિતિ સામે આવી છે.
આણંદ જિલ્લામાં સરકારી પ્રાથમિક, નગરપાલિકા સંચાલિત અને ગ્રાન્ટેડ સહિત અંદાજે 1,450 જેટલી શાળાઓ આવેલી છે. બીજી તરફ, પ્રાથમિક શાળાઓમાં આશરે 220 જેટલા સીપીએડ શિક્ષકો હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના કારણે અનેક શાળાઓમાં નિયમિત વ્યાયામ શિક્ષણની વ્યવસ્થા પૂરતી ન હોવાની ફરિયાદો છે.
રમતગમત માટેની માળખાકીય સુવિધાઓની વાત કરીએ તો, જિલ્લાના આશરે 50 ટકા શાળાઓ પાસે પોતાનું રમતનું મેદાન ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પરિણામે વિદ્યાર્થીઓને નિયમિત રીતે રમતગમતની તાલીમ આપવી શાળાઓ માટે પડકારરૂપ બની રહી છે.
સ્થાનિક સ્તરે એવું પણ જણાવવામાં આવે છે કે, આશરે 2.80 લાખ વિદ્યાર્થીઓમાંથી મોટી સંખ્યામાં બાળકો એથ્લેટિક્સની વિવિધ રમતોથી પરિચિત નથી. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે દોડ, લાંબી કૂદ અને કોથળા દોડ જેવી પ્રવૃત્તિઓ સુધી જ મર્યાદિત રહે છે.
આ સ્થિતિ વચ્ચે રાજ્ય સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા શાળાઓને ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીઓની એન્ટ્રી કરાવવા સૂચના આપવામાં આવી છે. અન્ડર-9, અન્ડર-11, અન્ડર-14 અને અન્ડર-17 એમ ચાર વયજૂથમાં એન્ટ્રી કરવાની હોવાથી શાળાઓના આચાર્યો સામે હવે વિદ્યાર્થીઓને કઈ રમત માટે તૈયાર કરવા તે પ્રશ્ન ઊભો થયો છે.
આચાર્યોનું કહેવું છે કે માત્ર ઓનલાઈન એન્ટ્રી કરાવી દેવી સરળ છે, પરંતુ વિદ્યાર્થીઓને સંબંધિત રમતોની તાલીમ, મેદાન અને માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવું પણ એટલું જ જરૂરી છે. ત્યારે રમતગમતની પૂરતી સુવિધાઓ અને વ્યાયામ શિક્ષકોની ઉપલબ્ધતા વગર ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં એન્ટ્રી કરાવવાની સૂચનાને લઈને શિક્ષણ ક્ષેત્રે ચર્ચા શરૂ થઈ છે.