આણંદના યુવકને વિદેશ મોકલવાના નામે ₹1.91 લાખની કથિત ઠગાઈનો મામલો!

આણંદના યુવકને વિદેશ મોકલવાના નામે ₹1.91 લાખની કથિત ઠગાઈનો મામલો!

દુબઈના વર્ક પરમિટના સપના બતાવ્યા… અને હાથમાં પકડાવી દીધો વિઝિટર વિઝા! આણંદના યુવકને વિદેશ મોકલવાના નામે ₹1.91 લાખની કથિત ઠગાઈનો મામલો સામે આવ્યો છે. આ મામલે આણંદ શહેર પોલીસે એજન્ટ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


મળતી માહિતી મુજબ, આણંદના ભાલેજ રોડ વિસ્તારમાં રહેતા ગુલામનબી વ્હોરાનો એક લગ્ન પ્રસંગ દરમિયાન મૂળ આણંદ અને હાલ ભરૂચમાં રહેતા લુકમાન યુસુફ વ્હોરા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ આ પરિચય કૌટુંબિક સંબંધમાં ફેરવાયો અને લુકમાન, તેમની પત્ની પરવીન તથા પુત્ર માહિર સાથે પણ સંપર્ક વધ્યો.


આ દરમિયાન દુબઈનો વર્ક પરમિટ વિઝા કરાવી આપવાની વાત કરવામાં આવી. ગુલામનબીએ પોતાના પુત્રને દુબઈ મોકલવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે ખર્ચ બેથી અઢી લાખ રૂપિયા થશે, પરંતુ કામ બે લાખમાં કરી આપવાની વાત કહેવાઈ. વિશ્વાસમાં આવીને તેમણે પુત્રના વિદેશ જવાનું કામ તેમને સોંપ્યું.


ત્યારબાદ વિઝાનું કામ ચાલુ હોવાનું કહીને અલગ-અલગ બહાના બતાવી કુલ ₹2.55 લાખ લેવામાં આવ્યા. વારંવાર થોડા દિવસમાં વિઝા આવી જશે તેવી વાતો કરવામાં આવી. પરંતુ પછી જે સામે આવ્યું તેનાથી પરિવારને મોટો ઝટકો લાગ્યો.


આરોપ છે કે માહિરે કતારના ટૂરિસ્ટ વિઝાની PDF ફાઈલ મોકલી અને દુબઈ જવાનું થાય ત્યારે જાણ કરીશું તેમ જણાવ્યું. બીજી તરફ લુકમાન વ્હોરાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. તપાસ કરતાં તેઓ મકાન ખાલી કરીને જતા રહ્યા હોવાનું સામે આવ્યું.


આ મામલે આણંદ શહેર પોલીસમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ ₹64 હજાર પરત આપવામાં આવ્યા, પરંતુ બાકીના ₹1.91 લાખ પરત ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે એજન્ટ સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


અને આણંદ માટે આ માત્ર એક ઘટના નથી! એક જ અઠવાડિયામાં વિઝાના નામે કથિત ઠગાઈની આ ત્રીજી ઘટના સામે આવી છે. અગાઉ ક્રિષ્ના ઓવરસીઝમાં દંપતી સહિત ત્રણ લોકો સામે ₹70 લાખની ઠગાઈનો કેસ નોંધાયો હતો, જ્યારે ફિનલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વિઝાના નામે ₹10.48 લાખની કથિત ઠગાઈનો મામલો પણ સામે આવ્યો હતો.


એટલે વિદેશ જવાની લાલચમાં પૈસા આપતા પહેલાં એજન્ટ, વિઝાનો પ્રકાર અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. કારણ કે વિદેશ જવાનું સપનું જોતા પહેલાં એક સવાલ જરૂર પૂછજો—તમારા હાથમાં ખરેખર વર્ક પરમિટ છે… કે પછી માત્ર વિઝાની PDF?