મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મળ્યું સન્માન, ડિવિઝન સ્તરે મેળવ્યો બીજો ક્રમ
આણંદ: ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ચિંતન શિબિરમાં આણંદના માર્ગ અને મકાન વિભાગને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. વિભાગની કામગીરી અને વહીવટી કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં આણંદના કાર્યપાલક ઈજનેર હિતેષ એ. ગઢવીને ગવર્નન્સ પરફોર્મન્સ ઈન્ડેક્સ (GPI) અંતર્ગત ડિવિઝન સ્તરે બીજો ક્રમ પ્રાપ્ત થતાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હિતેષ એ. ગઢવીને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. વિભાગની વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને વિભાગોને આ કાર્યક્રમ દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા હતા.
GPIમાં ડિવિઝન સ્તરે રેન્ક-2 પ્રાપ્ત થવો આણંદ માર્ગ અને મકાન વિભાગ માટે નોંધપાત્ર સિદ્ધિ છે. આ સન્માન વિભાગના વહીવટી કાર્ય, કામગીરીના મૂલ્યાંકન અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
હિતેષ એ. ગઢવીને મળેલા આ સન્માનથી આણંદનું ગૌરવ વધ્યું છે. સાથે જ આ સિદ્ધિ માર્ગ અને મકાન વિભાગના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કામગીરીમાં વધુ કાર્યક્ષમતા અને ગુણવત્તા જાળવવા માટે પ્રેરણા પૂરી પાડશે.