Advertisement

આણંદના બાકરોલમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી: ભાવનગરના વેપારી સાથે 49.34 લાખની ઠગાઈ

આણંદના બાકરોલમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી: ભાવનગરના વેપારી સાથે 49.34 લાખની ઠગાઈ

બાકરોલ, આણંદ: આણંદ નજીક આવેલા બાકરોલ ગામના પઠાણવાડા વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે પૈસાનો વરસાદ કરવાની લાલચ આપીને એક યુવક સાથે લાખોની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા અને કાર લે-વેચનો વ્યવસાય કરતા 32 વર્ષીય જયદીપભાઈ બાબુભાઈ વાઘેલાને આર્થિક ભીંસનો લાભ ઉઠાવી, બાકરોલના ઠગ મહેમુદખાન અશરફખાન પઠાણે છેલ્લા ચાર વર્ષમાં અલગ-અલગ બહાના હેઠળ રૂપિયા 49.34 લાખ પડાવ્યા હતા. જ્યારે યુવકે પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે આરોપીએ જાતિવાચક શબ્દો બોલી ધમકી આપતા આખરે મામલો વિદ્યાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.


ચમત્કારના નામે જાળ બિછાવી:

ઘટનાની વિગત મુજબ, વર્ષ 2022માં જયદીપભાઈની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેઓ નાણાકીય સહાયની શોધમાં હતા. આ દરમિયાન પિતાના મિત્ર મારફતે તેમનો પરિચય મહેમુદખાન પઠાણ સાથે થયો હતો. મહેમુદખાને પોતે તાંત્રિક વિધિ દ્વારા પૈસાનો વરસાદ કરી શકે છે તેવી માયાજાળ રચી હતી. વિધિ માટે 'ચોકી' બનાવવાના નામે પ્રારંભમાં 5.71 લાખની માંગણી કરી હતી, જે પેટે યુવકે ટુકડે-ટુકડે નાણાં ચૂકવ્યા હતા. એક રૂમમાં અત્તર અને ધૂપના ધુમાડા વચ્ચે આરોપીએ નોટોનો વરસાદ થતો હોવાનો ભ્રમ ઊભો કરીને વેપારીને વિશ્વાસમાં લીધો હતો.


લોન અને ઉછીના પૈસા લઈને ઠગને આપ્યા:

ઠગ મહેમુદખાનની વાતોમાં આવી ગયેલા જયદીપભાઈએ પૈસા મેળવવાની લાલચમાં પોતાના પરિવારજનોના નામે બેંકોમાંથી લોન લીધી હતી અને સગા-વ્હાલાંઓ પાસેથી વ્યાજે પૈસા લાવીને પણ ઠગને આપ્યા હતા. આરોપી એટલો ચાલાક હતો કે તે ક્યારેય કોઈને વિધિવાળા રૂમમાં પ્રવેશવા દેતો નહોતો અને 'કામ બગડી જશે' તેવું બહાનું ધરતો હતો. જ્યારે નોટોની સીરીઝ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે એવું અજીબોગરીબ કારણ આપ્યું હતું કે તે આ પૈસા આણંદ, નડિયાદ અને અમદાવાદની બેંકોમાંથી 'ખેંચી' લાવે છે.


પૈસા માંગતા ધમકી અને જાતિવાચક અપમાન:

સમય જતાં જ્યારે કોઈ વાસ્તવિક ફાયદો ન થયો અને વેપારી દેવાદાર બની ગયા, ત્યારે તેમણે એપ્રિલ મહિનામાં પોતાના નાણાં પરત માંગ્યા હતા. આ સમયે આરોપી મહેમુદખાને પોતાની અસલી મજા બતાવતા વેપારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને ધાક-ધમકી આપી હતી. છેતરપિંડી છુપાવવા માટે આરોપીએ 50 લાખનો ચેક લખી આપ્યો હતો, પરંતુ તે ચેકમાં પણ છેકછાક કરી તેને પસ્તી સમાન બનાવી દીધો હતો. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement