આણંદમાં સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી સાથે જોડાયેલા નેટવર્કનો સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે.
પોલીસે નેશનલ હાઈવે નંબર-8 પર આવેલા ગામડી ઓવરબ્રિજ નીચેથી ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવી તેની બેંક કીટ સાયબર ગેંગ સુધી પહોંચાડતા હોવાનો આરોપ છે.
પોલીસે આરોપીઓ પાસેથી પાસબુક, સિમકાર્ડ, મોબાઈલ ફોન સહિત આશરે 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો ગામના લોકોને ભોળવીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતા હતા. ત્યારબાદ બેંકની કીટ મેળવીને કમિશનના બદલામાં સાયબર ફ્રોડ કરતી ગેંગને પહોંચાડતા હતા.
આ મામલે ઝડપાયેલા શખ્સોની ઓળખ તૌસીફભાઈ ઈકબાલભાઈ ખલીફા, જાવરખાન હબીબખાન અને મહેશભાઈ દાઉદભાઈ ખ્રિસ્તી તરીકે થઈ છે. જ્યારે ચોથા આરોપી સહિત સમગ્ર નેટવર્ક અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સો બેંક કીટ મહંમદ ઝુબેર ફારૂકભાઈ વ્હોરાને આપતા હતા અને ઝુબેર આ કીટ અમદાવાદના સીપાઈ અબ્દુલ્લા ઉર્ફે છોટુ નામના વ્યક્તિ સુધી પહોંચાડતો હોવાનો ખુલાસો થયો છે.
હવે પોલીસનું મુખ્ય ટાર્ગેટ સીપાઈ અબ્દુલ્લા ઉર્ફે છોટુને ઝડપી પાડવાનું છે.
આરોપીઓના રિમાન્ડ દરમિયાન અત્યાર સુધીમાં કેટલા મ્યુલ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા, કેટલા લોકોના નામે એકાઉન્ટ ખોલાવ્યા અને કેટલું કમિશન લેવામાં આવ્યું, તે સહિતની મહત્વની વિગતો બહાર આવવાની શક્યતા છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટર જે.કે. ડોડીયાના માર્ગદર્શન હેઠળ PSI એચ.એ. રિષિન અને ટીમ દ્વારા કરવામાં આવી છે.
હવે તપાસમાં સાયબર ફ્રોડના આ નેટવર્કના કેટલા તાર અને કેટલા લોકો સુધી પહોંચે છે, તેના પર સૌની નજર છે.