આણંદ શહેરમાં ગટર અને પાણીની લાઈનો વારંવાર લીકેજ થવાની સમસ્યા ગંભીર બની છે. છેલ્લા પોણા બે વર્ષમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન લીકેજના 60થી વધુ અને પાણીની લાઈન લીકેજના 120થી વધુ બનાવો સામે આવ્યા છે. મનપા પાસે ભૂગર્ભ લાઈનોનાં મૂળ નકશા અને ડ્રોઈંગ ઉપલબ્ધ ન હોવાથી સમારકામ માટે આડેધડ ખોદકામ કરવું પડે છે. તેના કારણે રસ્તાઓને નુકસાન થવાની સાથે સમય અને નાણાંનો પણ વ્યય થઈ રહ્યો છે.
સરદાર ગંજ, ગામડીવડ, નવું બસ સ્ટેન્ડ, જલારામ મંદિર, કરમસદ, મંગળપુરા, જૂનું બસ સ્ટેશન, ગુજરાતી ચોક અને ખાટકીવાડ સહિતના વિસ્તારોમાં વારંવાર લીકેજની સમસ્યા સર્જાઈ રહી છે. જૂની પાઈપલાઈનો અને વધતા વસ્તીભારને કારણે ગટર લાઈનો ચોકઅપ થવાની તેમજ પાણીની લાઈનો તૂટવાની સમસ્યા વધી છે.
નકશાના અભાવે વારંવાર ખોદકામ
આણંદ શહેરમાં વર્ષો પહેલાં નાખવામાં આવેલી ગટર અને પાણીની પાઈપલાઈનોનાં નકશા ઉપલબ્ધ ન હોવાથી લીકેજ શોધવામાં મુશ્કેલી પડે છે. ઘણી વખત એક જ વિસ્તારમાં ત્રણથી ચાર જગ્યાએ ખોદકામ કરવા છતાં લીકેજનું ચોક્કસ સ્થળ મળતું નથી. પરિણામે રસ્તાઓ તૂટી જાય છે અને સમારકામ પાછળ વધારાનો ખર્ચ કરવો પડે છે.
મનપાની રચના થયાને બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં જૂની લાઈનોનું નવેસરથી સર્વેક્ષણ કરી વ્યવસ્થિત ડ્રોઈંગ તૈયાર કરવાની કામગીરી થઈ ન હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે.
બેઠક મંદિર પાસે પમ્પિંગ સ્ટેશનનું કામ અધૂરું
બેઠક મંદિર નજીક જૂના પમ્પિંગ સ્ટેશનને તોડીને રૂ.78 લાખના ખર્ચે નવું પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી જૂન 2025માં શરૂ કરવામાં આવી હતી. 12 મહિનામાં પૂર્ણ કરવાનો આ પ્રોજેક્ટ 18 મહિના વીતી જવા છતાં અધૂરો હોવાનું જાણવા મળે છે.
કામની ધીમી ગતિને કારણે 30થી વધુ વિસ્તારોમાં ગટર ચોકઅપ થવાની સમસ્યા વધી હોવાનો દાવો છે. આ મામલે ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરવાલે નોટિસ ફટકારી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. તેમ છતાં કામમાં અપેક્ષિત પ્રગતિ ન થતાં નાગરિકોની મુશ્કેલીઓ યથાવત્ છે.
સમારકામ અને રોડની મરામત પાછળ લાખોનો ખર્ચ
શહેરમાં ગટર અને પાણીની લાઈનોના વારંવાર થતા લીકેજને કારણે સમારકામ ઉપરાંત ખોદકામ બાદ રસ્તાઓના પેચવર્ક અને પુનઃનિર્માણ પાછળ પણ ખર્ચ થાય છે. ઉપલબ્ધ વિગતો અનુસાર, છેલ્લા બે વર્ષમાં આ કામગીરી પાછળ કુલ ખર્ચ રૂ.10 લાખથી વધુ થયો હોવાનો અંદાજ છે.
વારંવારની સમસ્યાઓ વચ્ચે હવે ભૂગર્ભ લાઈનોનું યોગ્ય સર્વેક્ષણ, મૂળ નકશાનું પુનઃનિર્માણ અને પમ્પિંગ સ્ટેશનની કામગીરી સમયસર પૂર્ણ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. મનપા આ દિશામાં ક્યારે નક્કર પગલાં લેશે તે જોવું રહ્યું.