Advertisement

આણંદમાં બોગસ ડૉક્ટર પકડાયો, 6 વર્ષથી ચલાવતો હતો ક્લિનિક

આણંદમાં બોગસ ડૉક્ટર પકડાયો, 6 વર્ષથી ચલાવતો હતો ક્લિનિક

આણંદઃ જિલ્લામાં જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી તેજ કરતાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ સારસા ગામમાં દરોડો પાડી એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા અંદાજે 6 વર્ષથી કોઈપણ માન્ય ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોને સારવાર આપી રહ્યો હતો.


માહિતી મુજબ, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સારસા ગામમાં પાટીદાર ધર્મશાળા નજીક ‘જય મા ક્લિનિક’ નામે દવાખાનું ચલાવતો શખ્સ બોગસ છે. જેના આધારે પોલીસે વહેરાખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી સાથે મળીને દરોડો પાડ્યો હતો.


દરોડા દરમિયાન સ્થળ પરથી બિનોય બીસ્વનાથ બિસ્વાસ (ઉંમર 34)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમ્યાન આરોપી પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું કોઈ રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત ક્લિનિકમાંથી સારવાર માટે વપરાતી દવાઓ અને સાધન-સામગ્રી મળી કુલ ₹47,401નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.


આ અંગે ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે કડક પગલાં લેવા તંત્ર સક્રિય બન્યું હોવાનું સામે આવ્યું છે.

Advertisement