Advertisement

આણંદમાં 108 એમ્બ્યુલન્સ બની આશીર્વાદ: અગાઉ ૨ સિઝર હોવા છતાં એમ્બ્યુલન્સમાં સગર્ભાની સફળ નોર્મલ ડિલિવરી

આણંદમાં 108 એમ્બ્યુલન્સ બની આશીર્વાદ: અગાઉ ૨ સિઝર હોવા છતાં એમ્બ્યુલન્સમાં સગર્ભાની સફળ નોર્મલ ડિલિવરી

આણંદ જિલ્લાના વડોદ ગામમાં 108 એમ્બ્યુલન્સની ટીમની સમયસૂચકતા અને ઉત્કૃષ્ટ કામગીરીનો એક પ્રશંસનીય કિસ્સો સામે આવ્યો છે. અગાઉ બે વખત સિઝરિયન ડિલિવરી (C-section) કરાવેલી હોવા છતાં, એક 33 વર્ષીય સગર્ભા મહિલાની 108 એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવતા નવજાત બાળકની કિલકારીઓ ગુંજી ઉઠી હતી. આ કપરા સમયમાં જીવાદોરી સમાન મદદ પૂરી પાડવા બદલ પરિવારે 108 એમ્બ્યુલન્સ સેવાનો દિલથી આભાર માન્યો હતો.


પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદ તાલુકાના વડોદ ગામમાં રહેતી એક 33 વર્ષીય સગર્ભા મહિલાને વહેલી સવારે અચાનક પ્રસૂતિની અસહ્ય પીડા ઉપડતા પરિવારે તાત્કાલિક 108 સેવાનો સંપર્ક કર્યો હતો. કોલ મળતાની સાથે જ આણંદ ટાઉન હોલ 108 એમ્બ્યુલન્સના EMT હરમાનભાઈ સોલંકી અને પાયલોટ રાજેન્દ્રસિંહ ચૌહાણ ગણતરીની મિનિટોમાં જ વડોદ ગામ ખાતે પહોંચી ગયા હતા.


એમ્બ્યુલન્સની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે સગર્ભાની પીડા ખૂબ જ વધી ગઈ હતી. દર્દીની સ્થિતિ તપાસતા EMT ને અંદાજ આવી ગયો હતો કે હોસ્પિટલ પહોંચવા સુધીનો સમય બચ્યો નથી અને ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ કરાવવી પડે તેવી શક્યતા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, EMT હરમાનભાઈએ તાત્કાલિક અમદાવાદ હેડ ઓફિસ ખાતે ફરજ બજાવતા ફિઝિશિયન ડૉક્ટરનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવ્યું હતું. ડૉક્ટરની સલાહ મુજબ અને એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનોની મદદથી ટીમે ભારે જહેમત ઉઠાવીને એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી.


સૌથી મોટી અને પડકારજનક વાત એ હતી કે, મહિલાની અગાઉ બે ડિલિવરી સિઝરિયન દ્વારા થઈ હતી, તેમ છતાં 108 ની ટીમે પોતાની સૂઝબૂઝથી આ ડિલિવરી નોર્મલ કરાવીને માતા અને નવજાત શિશુ બંનેને નવું જીવન બક્ષ્યું હતું. એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને બાળકને વધુ સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. 108 ની ટીમની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ દર્દીના સગા-સંબંધીઓએ કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ ઉપરાંત, 108 ના જિલ્લા અધિકારી યોગેન્દ્રસિંહ ચાવડા અને પ્રોગ્રામ મેનેજર બિપીન ભેટારિયાએ પણ ટાઉન હોલ આણંદ 108 ની ટીમને તેમની આ સરાહનીય કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement