Advertisement

આણંદ: શાન મોલના ‘ધ વન લીલી સ્પા’માં ચાલતા કુટણખાણા પર પોલીસનો દરોડો, 7 થાઈલેન્ડની યુવતીઓ સહિત 10 ઝડપાયા

આણંદ: શાન મોલના ‘ધ વન લીલી સ્પા’માં ચાલતા કુટણખાણા પર પોલીસનો દરોડો, 7 થાઈલેન્ડની યુવતીઓ સહિત 10 ઝડપાયા

આણંદ શહેરના રાજમાર્ગ પર આવેલા જાણીતા શાન કોમ્પલેક્ષ (મોલ)માં સ્પાની આડમાં ચાલી રહેલા દેહવ્યાપારના નેટવર્કને પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે 'ધ વન લીલી સ્પા'માં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેના આધારે દરોડો પાડતા સ્થળ પરથી કુલ 8 યુવતીઓ મળી આવી હતી. જેમાં 7 યુવતીઓ થાઈલેન્ડની અને એક યુવતી મહારાષ્ટ્રની હોવાનું ખૂલ્યું છે. પોલીસે આ તમામ યુવતીઓ સહિત સ્પાના બે સંચાલકો ગૌતમ રાય અને તુષાર પટેલની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ સંચાલકો ગ્રાહકો પાસેથી એક હજારથી પાંચ હજાર રૂપિયા સુધીની રકમ વસૂલતા હતા.


દરોડા દરમિયાન પોલીસને સ્પા સેન્ટરમાંથી વાંધાજનક સામગ્રી, મોબાઈલ ફોન, રોકડ રકમ અને પ્રતિબંધિત વિદેશી ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો, જે મળી કુલ 84 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સ્પાના મુખ્ય માલિક તરીકે બિહારના વિકાસ રાય અને રોહિત રાયના નામ ખુલ્યા છે, જેઓ હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આણંદ અને વિદ્યાનગર જેવા શૈક્ષણિક વિસ્તારમાં છેલ્લા ચાર મહિનામાં સ્પા પરનો આ ચોથો મોટો દરોડો છે. અગાઉ રોઝ સ્પા, નાના થાઈ સ્પા અને રોલેક્સ ફેમિલી સ્પામાં પણ આ પ્રકારે વિદેશી યુવતીઓ સાથે ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ થઈ ચૂક્યો છે, જે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા કરી રહ્યો છે.

Advertisement