આણંદ મનપાની વેરા વસૂલાત ઝુંબેશ તેજ, ₹2.12 લાખની સ્થળ પર જ વસૂલાત; 10 દુકાનો સીલ

આણંદ મનપાની વેરા વસૂલાત ઝુંબેશ તેજ, ₹2.12 લાખની સ્થળ પર જ વસૂલાત; 10 દુકાનો સીલ

આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિક સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા અને વિકાસલક્ષી કામગીરીને વેગ આપવા માટે મિલકત વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઝુંબેશ દરમિયાન મિલકત ધારકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. રિકવરી ટીમની કામગીરી દરમિયાન સ્થળ પર જ બાકી મિલકત વેરા પેટે કુલ ₹2.12 લાખની રોકડ વસૂલાત કરવામાં આવી હતી.

બીજી તરફ, લાંબા સમયથી વેરો બાકી રાખનાર મિલકત ધારકો સામે મનપાએ નિયમ મુજબ કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કુલ ₹2.46 લાખનો વેરો બાકી ધરાવતી 10 દુકાનોને સીલ કરવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે, મિલકત વેરાની સમયસર વસૂલાતથી શહેરના વિકાસ કાર્યો તેમજ નાગરિકોને આપવામાં આવતી વિવિધ સુવિધાઓનું સંચાલન વધુ અસરકારક રીતે કરી શકાય છે.

મનપાએ બાકી વેરો ધરાવતા તમામ મિલકત ધારકોને વહેલી તકે પોતાનો બાકી મિલકત વેરો ચૂકવી દેવા અપીલ કરી છે. સાથે જ વેરાની સમયસર ચુકવણી કરી શહેરના વિકાસમાં સહભાગી બનવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.