આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ હવે વહીવટી માળખામાં મોટા ફેરફારો આવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી 11મી તારીખ પહેલાં આણંદના પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયર માટેની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. હાલમાં આણંદ કોર્પોરેશનના 13 વોર્ડના કુલ 52 કોર્પોરેટરોમાંથી 40 કોર્પોરેટરો ભાજપના પક્ષે હોવાથી સત્તાધારી પક્ષમાં હોદ્દાઓ માટે અત્યારથી જ ગણગણાટ શરૂ થયો છે. મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી થયા બાદ આગામી 10 થી 15 દિવસમાં પ્રથમ જનરલ સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં શહેરના વિકાસના કામો અને વહીવટી માળખા અંગે ચર્ચા વિચારણા થશે.
જીપીએમસી (GPMC) એક્ટ મુજબ, કોર્પોરેશનના સંચાલન માટે 10 થી 12 જેટલી મહત્વની કમિટીઓની રચના કરવી ફરજિયાત છે. જેમાં સૌથી શક્તિશાળી ગણાતી સ્ટેન્ડિંગ કમિટી મેળવવા માટે કોર્પોરેટરો વચ્ચે ભારે રસાકસી જોવા મળી રહી છે. આ ઉપરાંત વોટર સપ્લાય કમિટી, પબ્લિક વર્ક્સ, ટાઉન પ્લાનિંગ, હેલ્થ, ડ્રેનેજ, લાઈટ અને શિક્ષણ જેવી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે. દરેક સમિતિમાં અંદાજે 10 જેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવશે, જેમાં એક કોર્પોરેટર બે થી ત્રણ કમિટીમાં સ્થાન મેળવી શકશે.
શાસક પક્ષ ભાજપ દ્વારા આંતરિક અસંતોષને ટાળવા માટે એક ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે, જે અંતર્ગત ચૂંટાયેલા 80 ટકા જેટલા કોર્પોરેટરોને કોઈને કોઈ સમિતિમાં સ્થાન આપીને વહીવટમાં ભાગીદાર બનાવવામાં આવશે. આણંદના નાગરિકોમાં પણ નવા રચાનારા આ શાસક મંડળ અને શહેરના ભાવિ વિકાસને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.