Advertisement

આણંદ જિલ્લાના નાગરિકોએ ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલુ ધ્યાને રાખવુ

આણંદ જિલ્લાના નાગરિકોએ ગરમીમાં લૂ (હીટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવા આટલુ ધ્યાને રાખવુ

નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃધ્ધો અને બહાર કામ કરતા લોકો તેમજ બીમાર હોય તેમની વિશેષ કાળજી લેવી


આણંદ:: ગરમીની ઋતુમાં હિટવેવને કારણે જિલ્લાના નાગરિકોને સાવચેતીના પગલારૂપે આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા હીટવેવ સામે રક્ષણ મેળવવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી કેટલાંક જરૂરી સૂચનોનું પાલન કરવા અનુરોધ કરાયો છે. જે મુજબ જિલ્લામાં હિટવેવને કારણે કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિ ગરમીના તાણ અને ગરમી સંબંધિત બીમારીથી પીડાઈ શકે છે, જોકે કેટલાક લોકો વધુ જોખમમાં છે અને તેમને અન્ય કરતાં અને વધારાનું ધ્યાન આપવું જોઈએ. 


  શિશુઓ અને નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ, બહાર કામ કરતા લોકો, જે લોકોને માનસિકબીમારી હોય, જે લોકો શારીરિક રીતે બીમાર છે, ખાસ કરીને જેમને હૃદય રોગ અથવા હાઈ બ્લડ પ્રેશર હોય, તેવા સવેદંનશીલ વસ્તી માટે વધુ જોખમ હોવાથી તેમની વિશેષ કાળજી લેવી જોઈએ. ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં આવતા લોકો જો હીટવેવ દરમિયાન મુલાકાત લેતા હોય, તો તેઓ તેમના શરીરને ગરમીને અનુરૂપ થવા માટે એક અઠવાડિયાનો સમય આપવો જોઈએ અને પુષ્કળ પાણી પીવું જોઈએ. 


આવા સંજોગોમા કેટલીક વિશેષ સાવચેતીઓ રાખવી જોઈએ જેમાં એકલા રહેતા વૃદ્ધ અથવા બીમાર લોકોની દેખરેખ રાખવી જોઈએ અને તેમના સ્વાસ્થ્યનું દૈનિક ધોરણે નિરીક્ષણ કરવું જોઈએ. ઘરને ઠંડુ રાખવા પડદા, શટર અથવા સનશેડનો ઉપયોગ કરવો અને રાત્રે બારીઓ ખુલ્લી રાખવી જોઇએ. દિવસ દરમિયાન નીચેના માળ પર રહેવાનો પ્રયાસ કરવો અને શરીરને ઠંડુ કરવા માટે પંખા તથા ભીના કપડાનો ઉપયોગ કરવો જોઇએ.


        આ ઉપરાંત કેટલીક બાબતો ટાળવી જોઇએ. વિગતે જોઇએ તો તડકામાં બહાર નીકળવાનું ટાળવુ જેમા ખાસ કરીને બપોરે ૧૨-૦૦ કલાકથી ૪-૦૦ વાગ્યા વચ્ચે બપોરે બહાર હોવ ત્યારે સખત પ્રવૃત્તિઓ ટાળવી અને ખુલ્લા પગે બહાર ન જવુ જોઈએ. ઉનાળાના પીક કલાકો (સૌથી ગરમ સમય) દરમ્યાન રસોઈ કરવાનું ટાળવુ જોઇએ અને રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લા રાખવા જોઇએ. આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિક્સ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાંથી વાસ્તવમાં, શરીર વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે તથા પેટમાં ખેંચાણ થઈ શકે છે તે માટે તેને ટાળવુ જોઇએ. ઉચ્ચ પ્રોટીન ખોરાક અને વાસી ખોરાક ન ખાવુ જોઈએ. તેમજ પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને માટે વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે માટે તેમને વાહનમાં એકલા ના મૂકવા જોઇએ.  


 ઉપરોક્ત બાબતોને ધ્યાને લઈ આણંદ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી દ્વારા હિટવેવથી જેઓને વધુ જોખમ હોય તેમને વિશેષ કાળજી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.  



Advertisement