Advertisement

આણંદ જિલ્લામાં ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ, કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓને આપ્યું પ્રોત્સાહન

આણંદ જિલ્લામાં ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ, કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓને આપ્યું પ્રોત્સાહન

આણંદ, ગુરૂવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. 


આ અવસરે આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકાર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારના ભય વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને જીવનમાં પ્રગતિ કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.


આ તકે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપતા કુલ 50,966 જેટલા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તેવું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.


કલેકટરશ્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો કે કોઈપણ પ્રકારની પરીક્ષાલક્ષી માર્ગદર્શનની જરૂરિયાત હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે જેનો નંબર 02692 264153 છે, વાલીઓ આ નંબર ઉપર ફોન કરીને માર્ગદર્શન મેળવી શકે છે. 


ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ પરીક્ષાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે પીવાનું શુદ્ધ પાણી અને બેઠક વ્યવસ્થાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. 


આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હેમંતભાઈ કાછિયા પટેલ સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement