આજે છે ભગવાન વિષ્ણુના વામન અવતારની જયંતી… અને આજનો દિવસ પુરાણોમાં ખૂબ જ વિશેષ માનવામાં આવ્યો છે.
ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ ભગવાન વિષ્ણુએ મહર્ષિ કશ્યપ અને માતા અદિતિના પુત્ર તરીકે વામન અવતાર ધારણ કર્યો હતો. શ્રીમદ્ ભાગવત અનુસાર આ અવતાર શ્રવણ નક્ષત્ર અને અભિજિત મુહૂર્તમાં થયો હતો.
કહેવાય છે કે ભગવાન પહેલાં શંખ, ચક્ર, ગદા અને કમળ ધારણ કરેલા ચાર ભુજાઓવાળા વિષ્ણુ સ્વરૂપે પ્રગટ થયા અને ત્યારબાદ નાના બ્રહ્મચારી બટુક એટલે કે વામન સ્વરૂપ ધારણ કર્યું.
આ પછી તેઓ રાજા બલિની યજ્ઞશાળા પહોંચ્યા.
રાજા બલિએ વામન ભગવાનને સોનું, સંપત્તિ, ગામ કે અન્ય કોઈપણ વસ્તુ માંગવા કહ્યું… પરંતુ વામને માગ્યું માત્ર ત્રણ ડગલાં જેટલું સ્થાન!
ગુરુ શુક્રાચાર્યે રાજા બલિને ચેતવણી આપી કે આ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, પરંતુ સ્વયં ભગવાન વિષ્ણુ છે. તેમ છતાં બલિ પોતાના વચનથી પાછળ હટ્યા નહીં અને દાનનો સંકલ્પ કર્યો.
અને પછી જે થયું, તે જ વામન અવતારની સૌથી પ્રસિદ્ધ કથા છે…
ભગવાને વિરાટ ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કર્યું. એક ડગલામાં પૃથ્વી અને બીજા ડગલામાં ઊર્ધ્વ લોક માપી લીધા. હવે ત્રીજા ડગલા માટે કંઈ બાકી ન રહેતાં રાજા બલિએ પોતાનું માથું આગળ ધર્યું.
ભગવાને બલિને સુતલ લોકનું રાજ્ય આપ્યું અને સાથે ભગવાનના સાનિધ્યનું વરદાન પણ મળ્યું.
આ જ કારણે વામન જયંતી માત્ર ભગવાનના અવતારની સ્મૃતિનો દિવસ નથી, પરંતુ વચન, દાન અને સમર્પણની કથાની યાદ અપાવતો પવિત્ર દિવસ પણ માનવામાં આવે છે.
પુરાણોમાં આ દિવસે છત્રી, પાદુકા અને જળપાત્ર દાન કરવાની પરંપરાનો પણ ઉલ્લેખ મળે છે.
તો આજે વામન જયંતીના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુના આ અવતારને નમન કરીએ.