Advertisement

આંકલાવ મહી નદી પટમાં ગેરકાયદે રેતી ખનન, રૂ.70 લાખ દંડ અને સાધનો જપ્ત

આંકલાવ મહી નદી પટમાં ગેરકાયદે રેતી ખનન, રૂ.70 લાખ દંડ અને સાધનો જપ્ત

આંકલાવના મોટી સંખ્યાડ મહી નદી પટ વિસ્તારમાં આંકલાવ મામલતદારે દરોડા પાડીને રેતી ખનન કરતાં ખનીજ માફિયાઓને ઝડપી પાડયા હતા. ત્યારે આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગે રેતી ખનન કરતાં સાધન સામગ્રી જપ્ત કરીને રૂ.70 લાખ ઉપરાંત રકમનો દંડ સાથે મુદામાલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જો કે તપાસ દરમિયાન 2 કિમી સુધીના વિસ્તારમાં 10 ફૂટથી વધુ રેતીનું ખનન થયેલ હોવાનું અંદાજ લગાવાયો છે.

આણંદ પ્રાંત અધિકારીને ફરિયાદ મળતાં આંકલાવ મામલતદાર સહિત અન્ય ટીમોએ મોટી સંખ્યાડ નદી વિસ્તારમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે ટીમોએ બે હિટાચી મશીન ,ત્રણ બોટ સહિત મુદામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ખાણ ખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે મોટીસંખ્યાડ ગામે કોઇ પણ જાતની પરવાનગી વગર રેતી ખનન કરતાં હોવાનું તપાસમાં ખુલવા પામ્યું છે. જો કે 2 કિમી વિસ્તારમાં 10 ફૂટ ખનન થયું હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.જો કે અધિનિયમ મુજબ ગેરકાયદે ખનીજ કરવામાં આવેલ રેતી સહિત રૂ.70 લાખ ઉપરાંતનો રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દરોડાના 15 દિવસમાં ફરી ખનન ચાલુ થઇ જાય છે

મહી નદીના પટ્ટમાં ભૂમાફિયા દ્વારા લીઝ રાખ્યા વગર જ આડેધડ ખોદકામથી મોટીસંખ્યા નદી 10 કિમીનો પટ ગાયબ થઇ ગયો છે. આંકલાવ મામલતદારે છ માસમાં સતત બીજી વખત કૌભાંડ ઝડપી પાડયું છે. તેમ છતાં 15 દિવસમાં પુન: રેતી ખનન ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી ચાલુ થઇ જાય છે. જેને લઇને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Advertisement