નવરાત્રિની પૂર્વસંધ્યાએ અંબાણી પરિવારે આયોજિત ‘દેવી શક્તિ’ ઉત્સવમાં ઈશા અંબાણીના પરંપરાગત લુકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સ્વદેશ ઇરોસને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ઈશા અંબાણી ₹9.56 લાખની ભવ્ય ચણિયાચોળીમાં જોવા મળ્યાં હતાં. ઝરદોઝી, આભલાં અને બારીક હસ્તકલાથી સજ્જ આ આઉટફિટ તૈયાર કરવામાં 90 દિવસથી વધુ સમય લાગ્યો હતો.
10 કારીગરોની મહેનતથી તૈયાર થઈ માસ્ટરપીસ
ઈશા અંબાણીના આ ખાસ લુકને તોરાણી બ્રાન્ડે સ્વદેશ સાથે મળીને તૈયાર કર્યો હતો. અહેવાલ મુજબ, 10 કારીગરોએ 2,000 કલાકથી વધુ સમયની મહેનત કરીને આ ચણિયાચોળીને અનોખું સ્વરૂપ આપ્યું હતું. પરંપરાગત ભારતીય કળા અને આધુનિક ફેશનના મિશ્રણથી તૈયાર થયેલો આ આઉટફિટ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
કલમકારી અને પટ્ટચિત્રની કલાત્મક ઝલક
આઇવરી-બેજ રંગના શુદ્ધ સિલ્ક પર આંધ્રપ્રદેશની કલમકારી અને ઓડિશાની પટ્ટચિત્ર કલાને કંડારવામાં આવી હતી. તેમાં ઝરદોઝી, સિક્વિન, મોતી, આભલાં અને વિવિધ પ્રકારની ભરતકામની કારીગરી કરવામાં આવી હતી. ઘેરદાર ચણિયા સાથે શર્ટ-સ્ટાઇલ ચોલી અને ઈંટ જેવા લાલ રંગના દુપટ્ટાએ પરંપરાગત લુકને વધુ ભવ્ય બનાવ્યો હતો.
ચણિયાની દરેક કલીમાં રાધા-કૃષ્ણની રાસલીલા
આ ચણિયાચોળીની સૌથી ખાસ વિશેષતા તેમાં દર્શાવવામાં આવેલી રાધા-કૃષ્ણની રાસલીલા હતી. ચણિયાની દરેક કલીમાં પ્રેમ, ભક્તિ અને રાસ-ગરબાની સંસ્કૃતિને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. દાંડિયા રાસ અને સામૂહિક નૃત્યની ભાવનાને પણ આ ડિઝાઇનમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
નીતા અંબાણીના ઘરેણાંથી લુક બન્યો વધુ ખાસ
ઈશા અંબાણીએ આ આઉટફિટ સાથે માતા નીતા અંબાણીના પર્સનલ કલેક્શનમાંથી પસંદ કરેલા ઘરેણાં પહેર્યાં હતાં. બે લેયરવાળો નેકલેસ, પોલકી ચોકર, બ્લુ-ગ્રીન મીનાકારીવાળો હાર, મોરની ડિઝાઇનવાળા ઇયરકફ અને સોનાના પાટલાએ તેમના લુકને રોયલ ટચ આપ્યો હતો. સાથે કુંદન અને ડાયમંડની સ્ટેટમેન્ટ રિંગે પણ ધ્યાન ખેંચ્યું હતું.
પરંપરાગત હેર જ્વેલરીએ લુકમાં ઉમેર્યો ચાર્મ
ઈશાના લુકમાં વાળની સજાવટ પણ ખાસ રહી હતી. રંગબેરંગી પોમ-પોમ, કોડી, છીપલાં, લટકણ અને દેશી મોતીઓથી સજાવેલા પરંપરાગત પરાંદાએ સમગ્ર દેખાવને ઉત્સવમય બનાવ્યો હતો.
ઈશા અંબાણીનો આ લુક માત્ર મોંઘા ફેશન આઉટફિટ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ ભારતીય હસ્તકલા, લોકકળા અને નવરાત્રિની સાંસ્કૃતિક પરંપરાનું સુંદર સંયોજન પણ રજૂ કરતો હતો.