રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે જેતપુર તાલુકાના ખિરસરા ગામમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે.
આરોપી નરેશ રાણાપરીયા કોઈપણ માન્ય તબીબી ડિગ્રી વિના એલોપેથીક પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, આરોપી છેલ્લા આશરે 8 વર્ષથી નામ વિનાનું ક્લિનિક ચલાવી રહ્યો હતો અને દર્દીઓને એલોપેથીક દવાઓથી સારવાર આપતો હતો.
બાતમીના આધારે SOGની ટીમે ક્લિનિકમાં રેડ કરી હતી. તપાસ દરમિયાન ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ, ઈન્જેક્શન, એન્ટીબાયોટિક અને સ્ટીરોઈડ સહિતનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દવાઓ અને સારવારના સાધનો સહિત કુલ 14 હજાર 102 રૂપિયાનો મુદ્દામાલ, જ્યારે રોકડ સહિત કુલ 16 હજાર 362 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કાર્યવાહી દરમિયાન ખિરસરા PSC સેન્ટરના MBBS મેડિકલ ઓફિસરને પણ સાથે રાખવામાં આવ્યા હતા.
કોઈ માન્ય તબીબી ડિગ્રી વિના લોકોની સારવાર કરતા નરેશ રાણાપરીયા વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે, આખરે આવા બોગસ ડોક્ટરો આટલા વર્ષો સુધી બેફામ પ્રેક્ટિસ કેવી રીતે કરતા રહે છે?