₹5 લાખનું રોકાણ... એપમાં દેખાડ્યા ₹9.83 લાખ! પરંતુ પૈસા કાઢવા ગયા તો આખું કૌભાંડ સામે આવ્યું!

₹5 લાખનું રોકાણ... એપમાં દેખાડ્યા ₹9.83 લાખ! પરંતુ પૈસા કાઢવા ગયા તો આખું કૌભાંડ સામે આવ્યું!

₹5 લાખનું રોકાણ... એપમાં દેખાડ્યા ₹9.83 લાખ! પરંતુ પૈસા કાઢવા ગયા તો આખું કૌભાંડ સામે આવ્યું!

વડોદરા શહેરમાં ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડીનું વધુ એક મોટું નેટવર્ક સામે આવ્યું છે. SD PAY અને APNA PAY નામની એપ્લિકેશન તથા વેબસાઇટ દ્વારા લોકોને ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી અને પછી તેમના લાખો રૂપિયા હડપ કરી લેવાતા હતા.

આ મામલે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં આવ્યું છે અને હવે આ સમગ્ર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરવામાં આવી છે.

આ કૌભાંડની શરૂઆત કેવી રીતે થઈ?

સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ અગાઉથી કાવતરું રચીને SD PAY અને APNA PAY નામની એપ્લિકેશન અને વેબસાઇટ તૈયાર કરી હતી. લોકોને આ પ્લેટફોર્મ પર રોકાણ કરાવવામાં આવતું અને બદલામાં ઊંચા વળતરની લાલચ આપવામાં આવતી હતી.

ફરિયાદી પાસેથી ફેબ્રુઆરીથી ઓગસ્ટ દરમિયાન અલગ-અલગ તબક્કે કુલ ₹5 લાખ 2 હજાર 888 ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.

આ રોકાણ બાદ એપ્લિકેશનના ડેશબોર્ડ પર વળતર અને કેશબેક સહિત કુલ ₹9 લાખ 83 હજાર 458 જેટલી રકમ દેખાડવામાં આવી હતી.

અહીંથી શરૂ થયો છેતરપિંડીનો અસલી ખેલ!

જ્યારે ફરિયાદીએ એપમાં દેખાતી આ રકમ પોતાના બેંક ખાતામાં ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે પૈસા મળ્યા જ નહીં. ત્યારબાદ આરોપીઓએ અલગ-અલગ બહાના બનાવી ફરિયાદીને વધુ પૈસા ચૂકવવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમગ્ર મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 318(4), 316(2), 61(2) તેમજ IT એક્ટની કલમ 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

તપાસ આગળ વધતા સાયબર પોલીસને આ કૌભાંડ પાછળના નેટવર્ક અંગે મહત્વની માહિતી મળી હતી.

પોલીસ તપાસમાં SD PAY, APNA PAY અને UPAY DIGI PAYMENT PRIVATE LIMITED નામની કંપનીઓ અને એપ્લિકેશન સાથે જોડાયેલા કેટલાક લોકોની ભૂમિકા સામે આવી હતી. ધવલ પટેલ, નિશી પ્રસાદ અને હિતેશ શાહ સહિતના લોકો આ નેટવર્ક સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ પૈકી કેટલાક આરોપીઓની અગાઉ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ પણ કરી હોવાનું જણાવાયું છે.

દરમિયાન વડોદરા સાયબર ક્રાઇમ ટીમે ડિજિટલ ટ્રેસિંગ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસનો દોર મહારાષ્ટ્રના ઔરંગાબાદ સુધી લંબાવ્યો અને ત્યાં દરોડો પાડી નારાયણ અશોક કાંગણે નામના આરોપીને ઝડપી પાડ્યો.

પરંતુ તપાસ અહીં અટકી નથી...

પોલીસની તપાસમાં આ નેટવર્ક સાથે જોડાયેલા 29 શંકાસ્પદ બેંક એકાઉન્ટ અને 4 શેલ કંપનીઓ સામે આવી છે.

તપાસમાં SD PAY HUB અને UPAY DIGI PAYMENT PRIVATE LIMITEDના બેંક ખાતાઓ મારફતે પેમેન્ટ હેન્ડલ થતું હોવાનું પણ સામે આવ્યું છે. સાથે જ એપ્લિકેશનમાં પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતું વર્ચ્યુઅલ એકાઉન્ટ Razorpay પેમેન્ટ ગેટવે મારફતે UPAY DIGI INDIA PRIVATE LIMITEDના બેંક ખાતા સાથે જોડાયેલું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

સૌથી મહત્વની વાત એ છે કે આ જ નેટવર્કની સંડોવણી અન્ય 4 E-FIRમાં પણ સામે આવી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

એટલે કે આ માત્ર એક વ્યક્તિ સાથે થયેલી ઓનલાઈન છેતરપિંડી નથી, પરંતુ અનેક લોકોને નિશાન બનાવતું આંતરરાજ્ય સાયબર નેટવર્ક હોવાની દિશામાં તપાસ આગળ વધી રહી છે.

હાલ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે, જ્યારે આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

ઓનલાઈન રોકાણમાં ઊંચા વળતરની લાલચ... એપમાં દેખાતો કરોડોનો નફો... અને અંતે બેંક ખાતામાં એક પણ રૂપિયા નહીં—આ કૌભાંડ સાયબર ફ્રોડના નવા મોડસ ઓપરેન્ડી તરફ ઈશારો કરી રહ્યું છે.