ગુજરાત પોલીસના ‘ચેક’ નામના ડોગે મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલી 69મી ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ 2025–26માં ટ્રેકિંગ કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને ઓવરઓલ ટ્રેકિંગમાં બ્રોન્ઝ મેડલ જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. 16 વર્ષ પછી ગુજરાત પોલીસના ડોગે રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતતા આ સિદ્ધિ વિશેષ ગૌરવપૂર્ણ બની છે.
આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દેશભરના પોલીસ K9 સ્ક્વોડ, પેરામિલિટરી દળો અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો, જેમાં વિસ્ફોટક અને નાર્કોટિક્સ શોધ, ટ્રેકિંગ, એજિલિટી અને ઓબીડિયન્સ જેવી ક્ષમતાઓની કસોટી કરવામાં આવી હતી. ટ્રેકિંગ કેટેગરીમાં કુલ 45 ડોગ્સ વચ્ચે સ્પર્ધા થઈ હતી, જેમાં ‘ચેક’એ ઉત્તમ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
આ સિદ્ધિ પાછળ લાંબા સમયથી કરવામાં આવેલી કડક તૈયારી અને તાલીમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. રાજ્ય પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે ગાંધીનગર ખાતે ‘ચેક’, તેના હેન્ડલર રમેશ ખાંટ અને ટ્રેનિંગ કન્સલ્ટન્ટ ચંદનસિંહ રાઠોડને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતમાં હાલ આશરે 160 પોલીસ ડોગ્સ વિવિધ કામગીરી માટે કાર્યરત છે, જે રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.