“માત્ર 10 હજાર રૂપિયાની બાકી રકમનો વિવાદ… અને ગુસ્સામાં આખા માર્કેટના છઠ્ઠા માળે પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી! સુરતમાં ચકચારી કાંડનો આરોપી આખરે પોલીસના હાથે ઝડપાયો છે.”
સુરતના સાવલી વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે વિનોદ પંડિત સાવલેની ધરપકડ કરી છે.
વિનોદ પંડિત સાવલે શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. તેને દર મહિને 30 હજાર રૂપિયાના પગાર પર નોકરીએ રાખવામાં આવ્યો હતો.
જૂન મહિનામાં વિનોદે નોકરી છોડી દીધી હતી અને તેને તેનો પગાર પણ ચૂકવી દેવામાં આવ્યો હતો. જોકે, તેની 10 હજાર રૂપિયાની રકમ ચૂકવવાની બાકી હતી.
આ જ બાકી રકમના મુદ્દે તેણે કથિત રીતે ગંભીર પગલું ભર્યું.
વિનોદે દેવડ ગામેથી 150 રૂપિયાનું પેટ્રોલ ખરીદ્યું. ત્યારબાદ સાંજના સમયે કોથળીમાં પેટ્રોલ લઈને તે માર્કેટમાં પહોંચ્યો.
માર્કેટ બંધ થવાના સમયે તે સીધો છઠ્ઠા માળે પહોંચ્યો—જ્યાં તે અગાઉ નોકરી કરતો હતો. અને ત્યાં પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હોવાનો પોલીસનો આરોપ છે.
આગ લગાવ્યા બાદ વિનોદ ત્યાંથી ફરાર થઈ ગયો અને ખાટું શ્યામ અને અયોધ્યા તરફ ભાગી ગયો.
બીજી તરફ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ ટીમે તેના મૂળ વતનમાં પણ તપાસ હાથ ધરી.
પોલીસથી બચવા માટે સ્થળ બદલતો રહેલો વિનોદ આખરે ભાગતો ભાગતો ફરી સુરત આવ્યો… અને સુરતમાંથી જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો.
હવે પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનામાં આગ લગાવવાનું ચોક્કસ કારણ, તેની હિલચાલ અને અન્ય વિગતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.